ઇસ્લામાબાદઃ ન્યુ ઝીલેન્ડની ટીમ 26 ડિસેમ્બરથી 14 જાન્યુઆરીની વચ્ચે પાકિસ્તાનમાં બે ટેસ્ટ અને ત્રણ વનડે રમશે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ જારી કરેલા કાર્યક્રમ અનુસાર ટેસ્ટિ સિરીઝ કરાચીમાં 26 ડિસેમ્બરથી શરૂ થશે. બીજી ટેસ્ટ મેચ ત્રીજી જાન્યુઆરીથી મુલતાનમાં રમાશે.
પાકિસ્તાન ન્યુ ઝીલેન્ડ સામે વનડે મેચ 10, 12 અને 14 જાન્યુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. ન્યુ ઝીલેન્ડને ગયા વર્ષે પાકિસ્તાનમાં વનડે અને T-20 સિરીઝ રમવાની હતી, પણ અજાણી સુરક્ષાની ધમકીને કારણે સરકારી નિર્દેશો પર ટીમ એક પણ મેચ રમ્યા વિના સ્વદેસ પરત ફરી હતી.
જોકે આ વર્ષ પાકિસ્તાન ક્રિકેટ માટે વરદાન સાબિત થયું હતું, કેમ કે પાકિસ્તાન પહેલાં ઓસ્ટ્રેલિયાની યજમાની કરી ચૂક્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ ઓક્ટોબરમાં સાત મેચોની t20 સિરીઝ રમ્યા પછી હજી હમણાં પાકિસ્તાનમાં ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે.
માર્ચ, 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ પર આતંકવાદીઓના હુમલા પછી વિદેશી ટીમોની સુરક્ષાને કારમે પાકિસ્તાને 2009થી 2019ની વચ્ચે કોઈ પણ ટેસ્ટ કે આંતરરાષ્ટ્રીય સિરિઝની યજમાની નહોતી કરી. બંને બોર્ડોની સહમતીથી ન્યુ ઝીલેન્ડની સિરીઝને એક દિવસ માટે આગળ વધારવામાં આવી હતી. ન્યુ ઝીલેન્ડે છેલ્લી વાર પાકિસ્તાનમાં વર્ષ 2003માં ટેસ્ટ મેચ રમી હતી. ન્યુ ઝીલેન્ડ આગામી વર્ષે એપ્રિલમાં વ્હાઇટ બોલની સિરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે.