યૂજીન (અમેરિકા): ભારતના જેવેલિન (ભાલાફેંક) ઓલિમ્પિક ગોલ્ડમેડલ વિજેતા એથ્લીટ નીરજ ચોપરાએ ક્વાલિફિકેશન હરીફાઈમાં ગઈ કાલે 88.39 મીટર દૂર સુધી ભાલો ફેંકીને ભાલાફેંક રમતની વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભાગ લેવાની પાત્રતા હાંસલ કરી છે. એણે પહેલા જ પ્રયાસમાં 88.39 મીટર દૂર ભાલો ફેંકીને આ પાત્રતા હાંસલ કરી છે. વિશ્વ સ્પર્ધાની ફાઈનલમાં 24-વર્ષીય નીરજ આ પહેલી જ વાર ક્વાલિફાઈ થયો છે. કારકિર્દીમાં આ તેનો ત્રીજા નંબરનો બેસ્ટ-થ્રો રહ્યો છે. વિશ્વ સ્પર્ધાની ફાઈનલ – મેડલ રાઉન્ડ આવતા રવિવારે – ભારતીય સમય મુજબ સવારે 7 વાગ્યે યોજાશે. ફાઈનલ રાઉન્ડમાં એનો મુકાબલો ગ્રેનેડાના એન્ડરસન પીટર્સ સામે છે, જેણે 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. એનો આ મોસમમાં શ્રેષ્ઠ થ્રો રહ્યો છે 93.07 મીટરનો.
વર્લ્ડ ચેમ્પિયનિશપ ફાઈનલ માટે ક્વાલિફાઈ થવા માટે ઓછામાં ઓછા 83 મીટર અંતર દૂર ભાલો ફેંકવો પડે. 2017ની લંડન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એ 82.26 મીટર દૂર સુધી ભાલો ફેંકી શક્યો હતો, તેથી જરાક માટે ફાઈનલ માટે ક્વાલિફાઈ થવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ, 2019માં, દોહા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એ ભાગ લઈ શક્યો નહોતો, કારણ કે કોણીની ઈજાની કરાવેલી સર્જરીમાંથી એ સાજો થઈ શક્યો નહોતો.
આ વર્ષે નીરજે ત્રણ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈને શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. ગઈ 30 જૂને સ્ટોકહોમ ડાયમંડ લીગ સ્પર્ધામાં નીરજે 89.94 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો. 14 જૂને ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં એણે 89.30 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો અને ત્યારબાદ સ્ટોકહોમમાં જ ક્યૂએર્ટન ગેમ્સમાં 89.94 મીટર દૂર ભાલોં ફેંકવાનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આમ છતાં, 90 મીટરનો આંક સિદ્ધ કરવાનું એનું સપનું હજી સાકાર થવાનું બાકી છે. 2020ની ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં નીરજે 87.58 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રોહિત યાદવ પણ ફાઈનલમાં…
વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલ રાઉન્ડ માટે ઉત્તર પ્રદેશનો રોહિત યાદવ પણ ક્વાલિફાઈ થયો છે. આમ, ફાઈનલમાં બે ભારતીય – નીરજ અને રોહિત એકબીજાનો મુકાબલો કરશે. યાદવે ક્વાલિફાઈંગ રાઉન્ડમાં પહેલા જ પ્રયાસમાં 80.42 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. તે આઠ વખત 80 મીટર કે તેનાથી દૂર ભાલો ફેંકી ચૂક્યો છે. વિશ્વમાં એ 28મી રેન્ક ધરાવે છે અને આ રેન્કિંગને કારણે જ એ વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ક્વાલિફાઈ થઈ શક્યો છે.