નટરાજન નસીબદારઃ ઉમેશની જગ્યાએ ભારતીય ઈલેવનમાં સામેલ

મેલબર્નઃ ઓસ્ટ્રેલિયા સામે સિડની અને બ્રિસ્બેનમાં રમાનાર બાકીની બે ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમમાં ઉમેશ યાદવની જગ્યાએ ફાસ્ટ બોલર ટી. નટરાજનને સામેલ કરાયાની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આજે જાહેરાત કરી છે. ઉમેશ યાદવને પિંડીમાં ઈજા થતાં એ ટીમમાંથી બહાર થયો છે અને સાજો થવા ભારત પાછો ફરશે.

ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમમાં અન્ય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની જગ્યાએ અન્ય સ્ટેન્ડ-બાય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને સામેલ કરવાની પણ જાહેરાત કરી છે. શમીને પહેલી ટેસ્ટ દરમિયાન જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર થયું હતું. નટરાજન અને ઠાકુર નેટ બોલરો તરીકે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયા છે. બેટ્સમેન રોહિત શર્માએ પણ ઓસ્ટ્રેલિયામાં આવ્યા બાદ તેનો કોરોના ક્વોરન્ટીન પીરિયડ પૂરો કરી લીધો છે અને હવે ભારતીય ટીમ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.