અમદાવાદઃ આપીએલના દિવસોને યાદ કરતા ક્રિકેટર પાર્થિવ પટેલે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ઘણી વાતો શેર કરી છે. પાર્થિવે કહ્યું છે કે, ધોનીની ટીમ-મીટિંગ કદી બે મિનિટ કરતા વધારે ચાલતી ન હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના દિવસોને યાદ કરતા પાર્થિવ પટેલે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ મીટિંગમાં માત્ર બે મિનિટનો સમય લાગે છે. પાર્થિવ પટેલ પ્રથમ સીઝનમાં 13 મેચમાં 302 રન બનાવીને ચેન્નાઈને ફાઈનલમાં પહોંચાડવામાં મદદ કરી હતી.
આઈપીએલ 2008ની ફાઈનલ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમવામાં આવી હતી, જેમાં શેન વોર્નની કેપ્ટન્સી હેઠળ રાજસ્થાન ચેમ્પિયન બન્યું હતું. ત્યારબાદ પાર્થિવ આઈપીએલની અન્ય ટીમોમાં જોડાયો પણ આટલા વર્ષોમાં ધોનીની કેપ્ટન્સી અંગે તેના મંતવ્યો બિલકુલ નથી બદલાયા.
પાર્થિવ પટેલે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 2008ની આઈપીએલ ફાઈનલમાં ધોનીની ટીમ-મીટિંગ 2 મિનિટ જ ચાલી હતી. પોતાના ખેલાડીઓ પાસે કેવી રીતે કામ લેવું તેને લઈને ધોની હંમેશા સ્પષ્ટ હોય છે. ટીમની વ્યુહરચનાને લઈને તેને કદી કોઈ શંકા રહેતી નહીં.
મહત્વનું છે કે, પાર્થિવ પટેલ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 2010 સુધી રમ્યો હતો. પાર્થિવ પટેલે કહ્યું કે, 2008માં માઈકલ હસી, સ્ટીફન ફ્લેમિંગ અને મેથ્યૂ હેડન જેવા સીનિયર ખેલાડીઓ પાસેથી ઘણુ બધુ શીખવા મળ્યું. આઈપીએલમાં હવે ઘણું બદલાઈ ગયું છે.
