નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના સમાચાર સાંભળી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ખૂબ જ દુ:ખી અને ઉદાસ છે. ધોનીના જીવન પર બનેલી ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ટ સ્ટોરી’માં અભિનેતાએ માહીની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મના કારણે સુશાંત સિંહ અને મહેંદ્ર સિંહ ધોની વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. સુશાંતના આકસ્મિક નિધન પર ધોનીએ સામે આવીને કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ ધોની ખૂબ જ ઉદાસ અંદરથી તુટી ગયો છે.
ફિલ્મમાં માહીની ભૂમિકા માટે સુશાંતની પસંદગી કર્યા પછી પૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરેએ તેમને ટ્રેનિંગ આપી હતી. 9 મહિના સુધી સુશાંતને ધોનીની તમામ સ્ટાઈલ અને ટેકનિકો અંગે ટ્રેનિંગ આપવામાં આવી. ટ્રેનિંગ દરમિયાન તેમના હાથ પર ઈજા પણ પહોંચી હતી છતાં તે અટકયો નહીં અને ધોનીનો ટ્રેડમાર્ક માનવામાં આવતો હેલીકોપ્ટર શોર્ટ પણ શીખ્યો.
ધોનીના મિત્ર અને ધોનીની બાયોપીક ફિલ્મના નિર્માતા અરૂણ પાંડેએ જણાવ્યું કે, સુશાંત માહીની ભૂમિકા એકદમ સારી રીતે નિભાવી શક્યો તેની પાછળનું કારણ એ હતું કે, તે આ ફિલ્મનો ભાગ બન્યા પહેલા જ તેણે ધોનીને સારી રીતે ઓળખી લીધો હતો. ધોની સુશાંત માટે એક પ્રેરણાસ્ત્રોત હતો. સુશાંત સિંહ પણ ધોનીની જેમ એક નાના શહેરમાંથી આવ્યો હતો.
ફિલ્મના નિર્દેશક નીરજ પાંડેએ સુશાંતના મોતના સમાચાર રવિવારે બપોરે ધોનીને ફોન કરીને આપ્યા હતાં. તેમણે કહ્યું કે, આ સમાચાર સાંભળી માહી ખૂબ જ દુ:ખી અને ઉદાસ છે. આ ખૂબ જ દુખદ છે. સુશાંત માત્ર 34 વર્ષનો હતો અને તમામ કરિયર બાકી હતું. એ વાતમાં કોઈ શંકા નથી કે તે ખૂબ જ શાનદાર કામ કરતો હતો. જિંદગીમાં ઉતાર ચડાવ તો આવતા રહે.