પોવાર સાથેનો ઝઘડો ભૂતકાળની વાતઃ મિતાલી રાજ

મુંબઈઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમનાં કોચ તરીકે રમેશ પોવારની બીજી વાર નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં, 2018માં રમાઈ ગયેલી મહિલાઓની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા બાદ પોવાર અને ટીમની કેપ્ટન મિતાલી રાજ વચ્ચે ઝઘડો થયો હતો. એને પગલે બાદમાં પોવારને રાજીનામું આપવું પડ્યું હતું. એના ત્રણ વર્ષ બાદ પોવાર ફરી મહિલા ટીમનાં હેડ કોચ બન્યા છે. ત્યારે મિતાલી એમની સાથે કેવો વ્યવહાર કરશે? મિતાલીએ એક મુલાકાતમાં બધું સ્પષ્ટ કરી દીધું છે.

મિતાલીએ કહ્યું કે, ‘અગાઉની ઘટના હવે ભૂતકાળ છે. આપણે હવે પાછળ જવાનું નથી. રમેશ પોવારના પાસે ચોક્કસ કોઈક યોજના હશે જ. અમે બેઉ મળને ટીમનું જહાજ આગળ વધારીશું. અમે સાથે મળીને કામ કરીશું અને ભવિષ્ય માટે આપણી મજબૂત ટીમ તૈયાર કરીશું, કારણ કે આવતા વર્ષે વર્લ્ડ કપ રમાવાની છે.’ ભારતીય મહિલા ટીમ જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. પ્રવાસની શરૂઆત ટેસ્ટ મેચથી થશે. મહિલા ટીમ ઈંગ્લેન્ડમાં 7 વર્ષ બાદ પહેલી વાર ટેસ્ટ મેચ રમશે. એ માટે કેપ્ટન મિતાલી રાજ અને એની સાથીઓ સજ્જ છે.