ધર્મશાલા એરપોર્ટ બંધ થતાં MI vs PBKSની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ યોજાશે

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ 7 મે, 2025ના રોજ પહલગામ હુમલાનો બદલો લેતાં પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ વચ્ચે IPL 2025ની રોમાંચક મેચો ચાલી રહી છે. નવા સમાચાર મુજબ, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 11 મેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ નિર્ણયના એક દિવસ પહેલાં, 7 મેના રોજ, સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો.

આ મેચ શરૂઆતમાં ધર્મશાળામાં યોજાવાની હતી, પરંતુ પાકિસ્તાનના હુમલા અને ધર્મશાળા એરપોર્ટ બંધ થવાથી તેને મુંબઈ ખસેડવામાં આવી. જોકે, પંજાબ કિંગ્સે ન્યૂટ્રલ સ્થળની માંગ કરતાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નક્કી થયું. આ નિર્ણય ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનના જવાબી હુમલાઓ બાદ સરહદી તણાવને કારણે લેવાયો.

7 મેના રોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ને ‘Pakistan JK’ નામના ઈ-મેલ આઈડીથી ધમકી મળી, જેમાં લખ્યું હતું, “We Will Blast Your Studium.” આ ઈ-મેલ જર્મની અને રોમાનિયાથી ઓપરેટ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું. અમદાવાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, જેમાં બોમ્બ સ્ક્વૉડ, ડોગ સ્ક્વૉડ અને વરિષ્ઠ અધિકારીઓએ સ્ટેડિયમની સઘન તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં.

IPLની મેચો અને વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારવામાં આવી છે. ડ્રોન નિરીક્ષણ, વધારાના સુરક્ષા કર્મચારીઓ અને એન્ટી-સેબોટેજ તપાસ ચાલુ છે. પોલીસે ઈ-મેલની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે, જેમાં તેના સંભવિત આતંકવાદી જોડાણોની તપાસ થઈ રહી છે. ગુજરાતમાં અન્ય સ્થળોએ પણ સુરક્ષા વધારવામાં આવી છે.