પુણેઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપમાં આજે અહીંના MCA સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાઉન્ડ-રોબિન મેચ રમાવાની છે. તે પૂર્વે બાંગ્લાદેશના વિકેટકીપર અને બેટર મુશ્ફિકુર રહીમે જણાવ્યું છે કે, હું ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીનું ક્યારેય સ્લેજિંગ કરતો નથી, કારણ કે મેચ દરમિયાન અપશબ્દો સંભળાવવાથી વિરાટ જોશમાં આવી જાય છે અને વધારે રન કરે છે. એટલે હું તો કાયમ અમારા બોલરોને કહું છું કે વિરાટને શક્ય એટલો જલદી આઉટ કરી દેવો. અમારી બે ટીમની મેચ હોય ત્યારે હું જ્યારે પણ બેટિંગ કરવા જાઉં ત્યારે દર વખતે એ મને સ્લેજ કરતો હોય છે. એ ખરેખર લડાયક વૃત્તિવાળો છે. એ કોઈ મેચ હારવાનું પસંદ કરતો નથી. એની સાથેની સ્પર્ધા અને એની સામે રમવાનો પડકાર મને ખરેખર બહુ ગમે છે.’
કોહલીએ બાંગ્લાદેશ સામે અત્યાર સુધીમાં 19 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 73.13ની સરેરાશ સાથે 1,097 રન કર્યા છે. ODI વર્લ્ડ કપમાં, ભારત બાંગ્લાદેશ સામે અત્યાર સુધીમાં પાંચમાંથી ચાર મેચ જીત્યું છે. 2007ની વર્લ્ડ કપમાં તે હારી ગયું હતું.
શાકીબ અલ હસન ઈજાગ્રસ્ત છે, કદાચ આજની મેચમાં નહીં રમે
દરમિયાન, બાંગ્લાદેશ માટે ચિંતાના સમાચાર છે. એમનો 36 વર્ષીય કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર શાકીબ અલ હસન કદાચ આજની મેચમાં રમી નહીં શકે. શાકીબના ડાબા હાથનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે. આ ઈન્જરી એને અમુક દિવસો પહેલાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ વખતે થઈ હતી.
બાંગ્લાદેશના કોચ ચાંડિકા હથુરુસિંઘેએ કહ્યું છે કે શાકિબને મેડિકલ સ્ટાફ 100 ટકા ફિટ જાહેર કરશે તો જ આજે ભારત સામે રમશે. જો એ ફિટ નહીં હોય તો એને રમાડવાનું અમે જોખમ નહીં લઈએ. શાકિબે ગઈ કાલે સાંજે એમસીએ સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ સત્ર વખતે બેટિંગ કરી હતી અને થોડુંક દોડ્યો પણ હતો, પણ બોલિંગ કરી નહોતી.
શાકિબે અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીતવાળી મેચમાં 30 રનમાં 3 વિકેટ લીધી હતી અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં એણે 40 રન કર્યા હતા. એ મેચ જોકે ન્યૂઝીલેન્ડ 8-વિકેટથી હારી ગયું હતું.