પુણેઃ અમદાવાદમાં ટેસ્ટ અને ટ્વેન્ટી-20 શ્રેણીઓમાં ઈંગ્લેન્ડને પરાજય આપ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં પણ વિજયી પ્રારંભ કર્યો છે. આજે અહીંના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન પર રમાઈ ગયેલી પહેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 66-રનથી પરાજય આપીને 3-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આજના વિજયનો શ્રેય બે નવોદિત ખેલાડી – ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને મધ્યમ ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ફાળે જાય છે. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ ભારતે પોતાના હિસ્સાની 50 ઓવરમાં પાંચ વિકેટે 317 રન કર્યા હતા. તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 42.1 ઓવરનો જ સામનો કરી શકી હતી અને 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતના દાવમાં ચાર હાફ સેન્ચૂરી થઈ હતી. ‘પ્લેયર ઓફ ધ મેચ’ શિખર ધવન બે રન માટે સદી ચૂકી ગયો હતો. એણે 106 બોલમાં 11 ચોગ્ગા, બે છગ્ગા સાથે 98 રન કર્યા હતા. 64 રનના સ્કોર પર રોહિત શર્મા (28)ની વિકેટ પડ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી (56) અને ધવને સ્કોરને 169 રને પહોંચાડ્યો હતો. શ્રેયસ ઐયર (6), ધવન અને હાર્દિક પંડ્યા (1)ની વિકેટ પડ્યા બાદ વિકેટકીપર કે.એલ. રાહુલ (62 નોટઆઉટ) અને કૃણાલ પંડ્યા (58 નોટઆઉટ)ની જોડીએ ટીમને વધુ નુકસાન થવા દીધું નહોતું. બંનેએ 9.3 ઓવરમાં 112 રનની અતૂટ ભાગીદારી કરી હતી. કૃણાલની કારકિર્દીની આ પહેલી જ મેચ હતી. પ્રારંભિક મેચમાં હાફ સેન્ચૂરી ફટકારનાર એ સબા કરીમ અને રવિન્દ્ર જાડેજા બાદ ભારતનો ત્રીજો બેટ્સમેન બન્યો છે જ્યારે પ્રારંભિક મેચમાં ફાસ્ટેસ્ટ સદી કરવાનો એણે વિશ્વવિક્રમ કર્યો છે. એણે માત્ર 26 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. એણે 31 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. 1990માં ન્યૂઝીલેન્ડના જોન મોરીસે પોતાની પહેલી જ વન-ડે મેચ રમતી વખતે ઈંગ્લેન્ડ સામે 37 બોલમાં અડધી સદી ફટકારી હતી. આજે, કૃણાલે તેના સમગ્ર દાવમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. સામે છેડે, રાહુલ 43 બોલના દાવમાં 4 ચોગ્ગા, 4 છગ્ગા સાથે આક્રમક દાવ રમ્યો હતો. કૃણાલે બાદમાં બોલિંગમાં 10 ઓવરમાં 59 રનના ખર્ચે સેમ કરન (12)ની વિકેટ લીધી હતી. આજની મેચ મધ્યમ ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની પણ કારકિર્દીની પહેલી જ મેચ હતી અને તે પણ આમાં ઝળક્યો હતો. એણે 8.1 ઓવરમાં 54 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. એના શિકાર હતાઃ જેસન રોય (46), બેન સ્ટોક્સ (1), સેમ બિલિંગ્સ (18) અને ટોમ કરન (11). ડેબ્યૂ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ચાર (કે તેથી વધુ) વિકેટ લેનાર તે પહેલો જ ભારતીય બોલર બન્યો છે. અન્ય ફાસ્ટ બોલરોમાં – શાર્દુલ ઠાકુરે 37 રનમાં 3 અને ભૂવનેશ્વર કુમારે 30 રનમાં બે વિકેટ લીધી હતી. બીજી મેચ 26 માર્ચે આ જ મેદાન પર રમાશે.
(તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ, આઈસીસી ટ્વિટર)
