સૂર્યકુમાર યાદવ આઉટ? કોહલી, સેહવાગ નારાજ

અમદાવાદઃ મુંબઈનિવાસી બેટ્સમેન સૂર્યકુમાર યાદવને રાષ્ટ્રીય ટીમ વતી બેટિંગ કરવા માટે 11-વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ગઈ કાલે એને પહેલી તક મળી હતી અને એણે ભારતીય ટીમને જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતે ગઈ કાલે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 8-રનથી પરાજય આપ્યો હતો અને પાંચ-મેચોની સિરીઝ 2-2થી સમાન કરી છે. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટે 185 રન કર્યા હતા. તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 177 રન બનાવી શકી હતી. પાંચમી અને સિરીઝની છેલ્લી મેચ 20 માર્ચે રમાશે. સૂર્યકુમાર યાદવે 31 બોલમાં 57 રન કર્યા હતા અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. કારકિર્દીમાં તેની આ માત્ર બીજી જ મેચ હતી. 14 માર્ચની મેચમાં એને ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ એની બેટિંગ આવી નહોતી. ત્યારબાદ 16 માર્ચની ત્રીજી મેચમાં ઈજાગ્રસ્ત હોવાથી એને બાકાત રખાયો હતો. આખરે ગઈ કાલની મેચમાં એ ચમક્યો હતો. એણે પોતાના દાવમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

14મી ઓવરમાં ભારતનો સ્કોર 110 રન હતો હતો ત્યારે યાદવને કેચ આઉટ જાહેર કરાયો હતો, પરંતુ થર્ડ અમ્પાયરનો તે નિર્ણય વિવાદાસ્પદ બન્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ તે વિશે નારાજગી વ્યક્ત કરી છે. યાદવનો કેચ ડેવિડ માલને પકડ્યો હતો. ફિલ્ડ અમ્પાયરે યાદવને આઉટ આપતા સોફ્ટ સિગ્નલ સાથે આખરી નિર્ણય થર્ડ અમ્પાયર – વિરેન્દર શર્મા પર છોડ્યો હતો. ટીવી રિપ્લે પરથી માલૂમ પડ્યું હતું કે બોલ જમીન પર અડી ગયો હતો. શર્માએ અનેક વાર સુધી ટીવી રિપ્લે જોયા હતા. કેચ ડ્રોપ થયાનો પર્યાપ્ત પુરાવો ન મળતાં એમણે ફિલ્ડ અમ્પાયરના આઉટ નિર્ણયને યથાવત્ રાખ્યો હતો. આઈસીસીનો નિયમ છે કે ગ્રાઉન્ડ અમ્પાયરનો સોફ્ટ સિગ્નલ નિર્ણય તો જ બદલી શકાય જો રિપ્લેમાં એ માટે પર્યાપ્ત પુરાવા મળે. મતલબ કે રિપ્લે પરથી સ્પષ્ટ થાય તો જ થર્ડ અમ્પાયર ગ્રાઉન્ડ અમ્પાયરનો નિર્ણય બદલી શકે. સૂર્યકુમાર યાદવના કેસમાં થર્ડ અમ્પાયર નક્કી કરી શક્યા નહોતા કે કેચ ડ્રોપ થયો છે કે નહીં. બોલ જમીનને અડી ગયો હોય એવું દેખાતું હતું, પરંતુ ફિલ્ડર માલનની આંગળી બોલની નીચે છે કે નહીં એ સ્પષ્ટ થયું નહોતું. સ્પષ્ટ પુરાવાના અભાવે થર્ડ અમ્પાયરે ગ્રાઉન્ડ અમ્પાયરના નિર્ણયને માન્ય રાખી યાદવને આઉટ આપ્યો હતો.

કેપ્ટન કોહલીએ મેચ બાદ નારાજગી વ્યક્ત કરી હતી. એણે કહ્યું કે જો શંકાસ્પદ પ્રયાસ હોય અને ફિલ્ડરને પોતાને પણ ખાતરી ન હોય કે બોલ જમીનને અડ્યો હતો કે નહીં ત્યારે સ્ક્વેર લેગ અમ્પાયર પણ એ સ્પષ્ટ જોઈ ન શકે. તેવામાં સોફ્ટ સિગ્નલ મહત્ત્વનું બની જાય છે. પરંતુ મને એ વાત સમજાતી નથી કે થર્ડ અમ્પાયર એમ કેમ ન કહી શકે કે ‘મને ખબર નથી’? આવી મોટી મેચોમાં એક નિર્ણય પરિણામ બદલી શકે છે. આજે અમારી સાથે આવું બન્યું છે, કાલે બીજી કોઈ ટીમ સાથે બનશે. આવું ચાલતું રહેવા ન દેવાય. વિરેન્દર સેહવાગે પણ ટ્વીટ કરીને થર્ડ અમ્પાયરના નિર્ણયની ઠેકડી ઉડાવી હતી.