વિરાટ કોહલી પણ ત્રાસવાદીઓના હિટ લિસ્ટમાં: દિલ્હીમાં સુરક્ષા વધારાઈ

નવી દિલ્હી – નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને એક નનામો પત્ર મળ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેરળના કોઝીકોડ સ્થિત ઓલ ઈન્ડિયા લશ્કર નામના કોઈક ગુપ્ત આતંકવાદી સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના કાર્યકારી પ્રમુખ જે.પી. નડ્ડા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત ઉપરાંત ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીને ટાર્ગેટ બનાવ્યા છે.

ભારતીય ટીમ આવતી 3 નવેંબરે બાંગ્લાદેશ સામે પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમવા માટે દિલ્હી આવી રહી છે. ટીમ પ્રેક્ટિસ માટે બે દિવસ વહેલી દિલ્હી આવી જશે.

દિલ્હી પોલીસે હુમલાની ધમકીને ગંભીરતાથી લીધી છે અને ટીમ માટેની સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત બનાવી દીધી છે.

 

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ તે પત્ર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને ફોરવર્ડ કરી દીધો છે.

સૂત્રોનું કહેવું છે કે આ પત્ર નકલી પણ હોઈ શકે છે, પરંતુ સત્તાવાળાઓ બાબતને જરાય હળવાશથી લેવા માગતા નથી અને દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં તેમજ મેચમાં રમનાર તમામ ખેલાડીઓની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે.