એક ભારતીય બુકીને કારણે શાકિબ બે વર્ષ માટે થયો છે સસ્પેન્ડ

દુબઈ – એક ભારતીય કથિત બુકીએ 2017ની સાલના ઉત્તરાર્ધથી ભ્રષ્ટાચારના ઈરાદે પોતાનો અનેક વાર સંપર્ક કર્યો હોવા છતાં બાંગ્લાદેશના અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ક્રિકેટ સત્તાવાળાઓને જાણ ન કરી એ ગુનાસર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ એને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.

શાકિબને આઈસીસીના ભ્રષ્ટાચાર-વિરોધી આચારસંહિતાનો ભંગ કરવા બદલ ગુનેગાર ગણવામાં આવ્યો છે.

એની પર આરોપ છે કે દિપક અગ્રવાલ નામના એક કથિત ભારતીય બુકીએ 2018ના જાન્યુઆરીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટ્રાઈ-સિરીઝ દરમિયાન બે વખત અને 2018ના એપ્રિલમાં આઈપીએલ સ્પર્ધા વખતે એક વાર શાકિબનો સંપર્ક કર્યો હતો.

અગ્રવાલની શંકાસ્પદ હિલચાલના મામલે શરૂ કરાયેલી તપાસના ભાગરૂપે આઈસીસીના એન્ટી-કરપ્શન યુનિટના અધિકારીએ આ વર્ષમાં બે વખત શાકિબની સાથે વાતચીત કરી હતી, પહેલાં ગઈ 23 જાન્યુઆરીએ અને પછી 27 ઓગસ્ટે.

શાકિબ સાથેની વાતચીતની વિગતો આઈસીસીએ શેર કરી છે, જે નીચે મુજબ છેઃ

  • 2017ના નવેંબરમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં શાકિબને ખબર હતી કે એનો ફોન નંબર એને ઓળખતા એક જણે અગ્રવાલને આપ્યો છે. અગ્રવાલે તે વ્યક્તિને કહ્યું હતું કે તે બીપીએલ સ્પર્ધામાં રમતા ખેલાડીઓ સાથે પણ એનો સંપર્ક કરાવી આપે.
  • 2017ના નવેંબરના મધ્ય ભાગમાં, અગ્રવાલના કહેવાથી શાકિબે વોટ્સએપના અનેક મેસેજિસ તે વ્યક્તિ સાથે એક્સચેન્જ કર્યા હતા જેમાં અગ્રવાલે શાકિબને મળવાનું કહ્યું હતું.
  • 2018ના જાન્યુઆરીમાં, શાકિબ બાંગ્લાદેશ ટીમનો સભ્ય હતો, જે ટીમ ટ્રાઈ-સિરીઝમાં શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે રમી હતી. એ સિરીઝ દરમિયાન, શાકિબ અને અગ્રવાલે વોટ્સએપ પર વધારે વાતચીતો કરી હતી.
  • 2018ની 19 જાન્યુઆરીએ, શાકિબને અગ્રવાલ તરફથી એક વોટ્સએપ મેસેજ મળ્યો હતો જેમાં એણે તેને એ દિવસની મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. અગ્રવાલે ત્યારબાદ બીજા મેસેજમાં એમ લખ્યું હતું કે, શું આપણે આમાં જ સાથે મળીને કામ કરી શકીએ કે પછી આઈપીએલ સુધી મારે રાહ જોવી?
  • મેસેજમાં જે કામનો ઉલ્લેખ કરાયો હતો તે અમુક માહિતીનો હતો જે શાકિબે અગ્રવાલને પૂરી પાડવાની હતી.
  • શાકિબે આ વાત આઈસીસીની ACU અથવા અન્ય કોઈ ભ્રષ્ટાચાર-વિરોધી સંસ્થાને જણાવી નહોતી.
  • 2018ની 23 જાન્યુઆરીએ, શાકિબને અગ્રવાલ તરફથી એક અન્ય મેસેજ મળ્યો હતો જેમાં અગ્રવાલે પોતાને અંદરની માહિતી પૂરી પાડવા માટે શાકિબને ફરી કહ્યું હતું. એણે લખ્યું હતું, ‘ભાઈ, આ સિરીઝમાં કંઈ થશે?’ શાકિબે કબૂલ કર્યું છે કે આ મેસેજ અગ્રવાલને વર્તમાન ટ્રાઈ-સિરીઝ સંબંધિત અંદરની માહિતી પૂરી પાડવા માટેની વિનંતી સંબંધિત હતો. શાકિબે આની જાણ પણ એસીયૂને કરી નહોતી.
  • 2018ની 26 એપ્રિલે શાકિબ આઈપીએલ સ્પર્ધામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની મેચમાં રમ્યો હતો. ત્યારે એ દિવસે એને અગ્રવાલ તરફથી વોટસએપ પર મેસેજ આવ્યો હતો જેમાં અગ્રવાલે એને પૂછ્યું હતું કે એ દિવસની મેચમાં એક ચોક્કસ ખેલાડી રમે છે કે નહીં. મતલબ કે, અંદરની માહિતી આપવાનું એને જણાવ્યું હતું.
  • અગ્રવાલે બાદમાં એ વાતચીત ચાલુ રાખીને એને બિટકોઈન્સ, ડોલર એકાઉન્ટ્સ વિશે કહ્યું હતું અને શાકિબને એના ડોલર એકાઉન્ટની વિગતો આપવા કહ્યું હતું. એ વાતચીત દરમિયાન શાકિબે અગ્રવાલને કહ્યું હતું કે પોતે પહેલાં તો એને મળવા માગે છે.

મુસીબતના સમયમાં પત્ની ઉમ્મી છે શાકિબની પડખે…

શાકિબ પર એક વર્ષનો સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે અને 12 મહિનાની મુદતનો સસ્પેન્ડેડ પ્રતિબંધ મૂકાયો છે. આને કારણે શાકિબ આવતા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં અને ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષની 18 ઓક્ટોબરથી 15 નવેંબર સુધી રમાનાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમી નહીં શકે.

શાકિબ પરના પ્રતિબંધ મામલે એની પત્ની ઉમ્મી એહમદ શિશિરે ફેસબુક પર નિવેદન પોસ્ટ કર્યું છે. એણે પતિ શાકિબનો પક્ષ લઈને શાકિબે ક્રિકેટમાં કરેલા જોરદાર કમબેક વિશે લખ્યું છે. એણે લખ્યું છે કે, મહાન બનવું કંઈ આસાન હોતું નથી. કોઈ પણ માનવી રાતોરાત મહાન બની શકતો નથી. એણે એ દરમિયાન અનેક પ્રકારની ચડતી-પડતીનો સામનો કરવો પડે છે. મુસીબતના સમયમાં શાકિબ મગજને શાંત રાખીને મજબૂત રીતે પુનરાગમન કરવાનું જાણે છે.