બ્રિસ્બેનઃ સતત વરસાદ ચાલુ રહેવાને કારણે અહીંના ગાબા સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ પૂર્વેની વોર્મ-અપ મેચ આજે રદ કરી દેવામાં આવી હતી. ભારતે ગયા સોમવારે તેની પહેલી વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6-રનથી પરાજય આપ્યો હતો. 2007ના પ્રારંભિક ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ વિજેતા ભારતનો આ વખતની સ્પર્ધામાં સુપર-12 રાઉન્ડમાં ગ્રુપ-2માં સમાવેશ કરાયો છે. એમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા તથા બે ક્વાલિફાઈંગ ટીમ હશે. ભારતની પહેલી મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેલબર્નમાં છે.
ઈન-ફોર્મ રાહુલ સૌથી વધારે રન કરશેઃ કેવિન પીટરસનની ભવિષ્યવાણી
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટર કેવિન પીટરસને એવી ધારણા વ્યક્ત કરી છે કે આ વખતની T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન ભારતનો કે.એલ. રાહુલ કરશે, કારણ કે તે હાલ બહુ સારા ફોર્મમાં છે. પીટરસને જોકે એમ પણ કહ્યું છે કે ભારતીય ટીમ વિજેતા બની નહીં શકે, પણ ઈંગ્લેન્ડ વિજેતા બનશે.