BCCI સિનિયર સિલેક્શન કમિટીમાં ફેરફાર કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ નેશનલ સિલેક્શન કમિટીના અધ્યક્ષ ચેતન શર્માનું ભાવિ હાલ અદ્ધરતાલ છે, કેમ કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પછી એમાં ફેરબદલ કરે એવી શક્યતા છે. ટીમ પસંદગી મામલે હાલના દિવસોમાં ચેતન અને તેની સમિતિના દેખાવમાં સાતત્ય નથી જળવાયું.

હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા કેવો દેખાવ કરે છે- એના પર ઘણુંબધું નિર્ભર છે. બોર્ડમાં મોટા ભાગના લોકો ચેતનથી બહુ ખુશ છે, પણ તેઓ ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી BCCIની નવી સિલેક્શન કમિટીની પસંદગી ના કરે, એમ BCCIના અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું.

ચેતન શર્માએ પોતાના ભાવિ માટે હજી થોડી રાહ જોવી પડશે, પણ પૂર્વ ઝોનના દેબાશિષ મોહંતીએ થોડા મહિનાઓમાં તેમનું પદ છોડવું પડશે, કેમ કે તેઓ જુનિયર અને સિનિયર સિલેક્શન કમિટીમાં કુલ ચાર વર્ષ પૂરાં કરશે. અભય કુરુવિલા પર લાગુ થયેલો નિયમ મોહંતી પર પણ લાગુ થશે. મોહંતીને વર્ષ 2019ના પ્રારંભે જુનિયર પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા અને દેવાંગ ગાંધીનો કાર્યકાળ પૂરો થવા પર તેઓ સિનિયર સમિતિમાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.

બીજી બાજુ, BCCIના નવા અધ્યક્ષ રોજર બિન્નીએ AGM પછી કહ્યું હતું કે તેમના માટે ક્રિકેટરો સતત ઇજાગ્રસ્ત થવા ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું હતું કે તેઓ આ સમસ્યાના મૂળ સુધી જશે. આ ઉપરાંત તેઓ ઘરેલુ ક્રિકેટ માટેની પિચોમાં સુધારો કરવાને પ્રાથમિકતા આપશે, એમ તેમણે જણાવ્યું હતું.