નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં દેશની સફળતાનું પ્રતિબિંબ સ્પોર્ટ્સ બજેટ જોવા મળે છે. કેન્દ્ર સરકારે નાણા વર્ષ 2022-23માં 3062.60 કરોડની ફાળવણી કરી છે, જે ગયા વર્ષની તુલનાએ રૂ. 305.58 કરોડનો વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષમાં સરકારે રમતો માટે 2596.14 કરોડની ફાળવણી કરી હતી, જે પછી એમાં સંશોધિત કરીને 2757.02 કરોડ કર્યું હતું.
ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ જીત્યા હતા. હવે આવનારા દિવસોમાં બર્મિગહામ કોમનવેલ્થ ગેમ્સ અને હાંગઝુ એશિયન ગેમ્સમાં વૈશ્વિક કોમ્પિટિશન જોતાં 2022 મહત્ત્વનું છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખતાં સરકારે સ્પોર્ટ્સ એક્ટિવિટી પર વધુ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં ખેલો ઇન્ડિયા કાર્યક્રમમાં 316.29 કરોડનો વધારો કર્યો છે.ખેલ ઇન્ડિયા કાર્યક્રમ માટે પાછલા બજેટમાં રૂ. 657.71 કરોડની ફાળવણી કરી હતી. હવે એ વધીને રૂ. રૂ. 974 કરોડ થઈ ગયા છે. ખેલાડીઓને પ્રોત્સાહન અને ઇનામની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે રૂ. 245 કરોડથી રૂ. 357 કરોડ થયા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના બજેટમાં રૂ. 7.41 કરોડનો કાપ મૂકવામાં આવ્યો છે, જે હવે રૂ. 653 કરોડ થયું છે.રાષ્ટ્રીય ખેલ ડેવલપમેન્ટ ફંડમાં ફાળવાતી રકમમાં રૂ. 9.16 કરોડનો કાપ મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સેવા યોજનામાં રૂ. 118.50 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.