રાંચીઃ ટીમ ઇન્ડિયાનો ધુઆંધાર બેટ્સમેન ઇશાન કિશન રવિવારે રાત્રે વનડેમાં સાત્ર સાત રનથી સદી ચૂક્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામે 84 બોલ પર 93 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઇશાનની આ ઇનિંગ્સની મદદથી ટીમ ઇન્ડિયાએ 279 રનના લક્ષ્યને સરળતાથી હાંસલ કર્યો હતો. મેચ પછી ઇશાન કિશને તેની બેટિંગ સ્ટાઇલ માટે એક ખાસ વાત કરી હતી.
તેણે કહ્યું હતું કે કેટલાક ક્રિકેટરોની તાકાત સ્ટ્રાઇક રોટેટ કરવાની હોય છે. મારી તાકાત છક્કા લગાવવાની છે. બધા મારી જેમ છક્કા ના મારી શકે. હું સરળતાથી છક્કા મારી શકું છું. જો હું છક્કા લગાવીને કામ કરી શકું તો પછી મારે સ્ટ્રાઇક રોટેટ કરવા વિશે વિચારવાની જરૂર નથી, પણ હા જો બીજા છેડાથી વિકેટો પડતી હોય તો તમારે સ્ટ્રાઇક રોટેટ કરવાની જરૂર છે. તની સદી ચૂકવા પર તે કહે છે કે હા, હું એક-એક રન લઈને સદી પૂરી કરી શકત,પણ હું એમ કરવા નહોતો ઇચ્છતો. હું દેશ માટે રમું છું અને મારા સ્કોર વિશે વિચારું તો મારા ફેન્સ હતાશ થાય.
ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાની સામે રાંચીમાં રમાયેલી વનડેમાં સાત વિકેટે જીત હાંસલ કરી હતી. દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં સાત વિકેટે 278 રન બનાવ્યા હતા, એના જવાબમાં ટીમ ઇન્ડિયાએ ઇશાન કિશનના (93) અને શ્રેયસ ઐયર (113)ની મદદથી જીત હાંસલ કરીને સિરીઝ 1-1થી બરાબર કરી હતી. હવે સિરીઝની છેલ્લી મેચ નિર્ણાયક રહેશે.