મુંબઈઃ શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા, જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધામાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, એણે આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે એટલે જ એને 2021ની મોસમ માટે ટીમે જાળવી રાખ્યો નથી અને છૂટો કરી દીધો છે. આ સ્પષ્ટતા મુંબઈ ઈન્ડિયન્સ ટીમે કરી છે. એક નિવેદનમાં, અંબાણીની માલિકીની ફ્રેન્ચાઈઝીએ કહ્યું છે કે કોરોના રોગચાળાને કારણે પ્રવાસ પર નિયંત્રણો આવી જતાં એણે આઈપીએલ સ્પર્ધામાંથી નિવૃત્ત થવાનો નિર્ણય લીધો છે. તેણે આની જાણકારી આ મહિનાના આરંભમાં જ મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટને કરી દીધી હતી. મુંબઈ ટીમ મેનેજમેન્ટ મલિંગાના નિર્ણયનો આદર કરે છે તેથી જ એને આ વર્ષની મોસમ માટે 18-સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
37 વર્ષીય મલિંગા 12 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વતી રમ્યો છે. 2008માં આ સ્પર્ધાનો આરંભ થયો ત્યારથી એ મુંબઈ ટીમ સાથે જ રહ્યો છે. એણે 122 મેચોમાં 170 વિકેટ લીધી છે અને આઈપીએલનો હાઈએસ્ટ વિકેટ લેનાર બોલર છે. એનો ઈકોનોમી રેટ 7.14 છે.