IPL માટે ટેસ્ટ ક્રિકેટનો ભોગ ન લેવાય: ફરોખ એન્જિનીયર

લંડનઃ જોરદાર સફળતા પામેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની દુનિયામાં વધુ ને વધુ અદેખાઈ થવા માંડી છે એનાથી ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર ફરોખ એન્જિનીયર ખુશ છે, પરંતુ તેઓ એવું ઈચ્છે છે કે હિતસાધકો ટેસ્ટ ક્રિકેટને ડેન્જર ઝોનમાંથી બહાર કાઢે. એન્જિનીયરે કહ્યું છે કે ક્રિકેટની મારફાડ આવૃત્તિને સમૃદ્ધ બનાવવા માટે પરંપરાગત એવી ટેસ્ટ ફોર્મેટનો ભોગ લેવો ન જોઈએ.

એન્જિનીયરે વધુમાં કહ્યું છે કે આર્થિક રીતે સમૃદ્ધ એવા ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો ટેસ્ટ ક્રિકેટ માટે પ્રતિબદ્ધ છે, પણ નાના દેશોના ખેલાડીઓ દુનિયાભરમાં રમાતી ફ્રેન્ચાઈઝ લીગ સ્પર્ધાઓમાં રમવાનું પસંદ કરે છે, કારણ કે એમાં રમવા બદલ એમને વધારે નાણાં આપવામાં આવે છે. આને કારણે ટેસ્ટ ક્રિકેટ ભયજનક હાલતમાં મૂકાઈ ગઈ છે એ સારું ન કહેવાય.

મુંબઈમાં જન્મેલા ફરોખ માણેકશા એન્જિનીયર ભારત વતી 1961-1975 દરમિયાન 46 ટેસ્ટ મેચ રમ્યા હતા અને પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા હતા. ટેસ્ટ મેચોમાં એમણે બે સદી અને 16 અડધી સદી સાથે 31.08ની એવરેજ સાથે 2,611 રન કર્યા હતા.