IPL 2025: મુંબઈ Vs દિલ્હી મેચ પર વરસાદનું સંકટ, પ્લેઓફની ટીકીટ માટે ટક્કર

મુંબઈ: આઈપીએલ 2025ની 63મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાવાની છે. આ મેચ પ્લેઓફની ચોથી ટીમ નક્કી કરવા માટે નિર્ણાયક છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ, મુંબઈમાં આજે સાંજે ગાજવીજ સાથે 80% વરસાદની શક્યતા છે, અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આ મહત્વની મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે..

જો વરસાદને કારણે આજની મેચ રદ્દ થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે, જેનાથી મુંબઈના 15 અને દિલ્હીના 14 પોઈન્ટ થશે. આવી સ્થિતિમાં પ્લેઓફની રેસ આગામી મેચો પર નિર્ભર રહેશે. બંને ટીમોની છેલ્લી લીગ મેચ પંજાબ કિંગ્સ (PBKS) સામે છે. જો મુંબઈ પંજાબને હરાવે તો 17 પોઈન્ટ સાથે તેમનું પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત થઈ જશે. દિલ્હીને પ્લેઓફમાં પહોંચવા માટે પંજાબ સામેની મેચ જીતવી જરૂરી છે અને સાથે મુંબઈની પંજાબ સામે હારની આશા રાખવી પડશે. મુંબઈનો નેટ રન રેટ (+1.156) દિલ્હી (+0.260) કરતા ઘણો સારો હોવાથી, રદ્દ મેચની સ્થિતિમાં મુંબઈને ફાયદો થશે.

હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ 12 મેચોમાં 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ 12 મેચોમાં 13 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સે પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ બહાર થઈ ગયા છે. મુંબઈની ટીમે તેમની છેલ્લી છ મેચોમાંથી પાંચમાં જીત મેળવી છે, જ્યારે દિલ્હીનું પ્રદર્શન અસ્થિર રહ્યું છે, જેમાં તેમણે છેલ્લી પાંચમાંથી માત્ર એક જીત મેળવી છે. આ મેચનું પરિણામ, અથવા તેની રદ્દગી, બંને ટીમોના પ્લેઓફના સપના માટે નિર્ણાયક સાબિત થશે.