નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ (GT)નો સાથ છોડી દીધો છે. હવે તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમશે. એ સાથે ગુજરાતે નવા કેપ્ટનની જાહેરાત પણ કરી દીધી છે. ગુજરાત ફ્રેન્ચાઇઝી તરફથી સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે કે શુભમન ગિલ IPLની આગામી સીઝન માટે ટીમનો કેપ્ટન હશે.
ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલે કેપ્ટનશિપને લઈને કહ્યું હતું કે હું બહુ ખુશ છું અને ગર્વ અનુભવી રહ્યો છું. મારી પર વિશ્વાસ દર્શાવવા માટે ફ્રેન્ચાઇઝીનો આભાર વ્યક્ત કરું છું. અમારી બે સીઝન શાનદાર રહી હતી અને ટીમને લીડ કરવા અને શાનદાર ક્રિકેટ રમવા માટે ઉત્સાહિત છું.
𝐂𝐀𝐏𝐓𝐀𝐈𝐍 𝐆𝐈𝐋𝐋 🫡#AavaDe pic.twitter.com/tCizo2Wt2b
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023
રવિવારે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સથી મુંબઈ ઇન્ડિયન્સમાં ચાલ્યો ગયો હતો. મુંબઈએ IPL ઇતિહાસમાં સૌથી મોટો ટ્રેડ કરતાં રૂ. 15 કરોડમાં હાર્દિકને પોતાની સાથે જોડ્યો હતો. હાર્દિકે કેરિયરનો પ્રારંભ એ ટીમ સાથે જ કર્યો હતો. તે વર્ષ 2021માં લીગમાં સૌપ્રથમ વાર ગુજરાત ટાઇટન્સમાં કેપ્ટન તરીકે જોડાયો હતો. તે GTમાં હતો, ત્યારે ટીમ બે વાર ફાઇનલમાં પહોંચી હતી અને એક વાર ચેમ્પિયન પણ બની હતી.
GTના ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ કહ્યું હતું કે શુભમન ગિલ છેલ્લા બે વર્ષોમાં ઘણો ગ્રોથ દેખાડ્યો છએ. અમે તેને માત્ર એક બેટ્સમેન જ નહીં, પણ એક લીડત તરીકે પણ પરિપક્વ થતા જોયો છે. તેણે વર્ષ 2022 અને 2023માં ફીલ્ડ પર ટીમ માટે ઘણુંબધું કર્યું છે.