બીજી ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ટી-20 શ્રેણીમાં પણ 2-0ની સરસાઈ મેળવી લીધી છે. પહેલા રમતા ભારતે યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન અને રિંકુ સિંહની તોફાની ઈનિંગ્સને કારણે 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 191 રન જ બનાવી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ બીજી T20 44 રને જીતી લીધી. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. જ્યારે ટિમ ડેવિડે 37 રનની ઇનિંગ રમી હતી અને મેથ્યુ વેડે 42 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારત માટે પ્રખ્યાત કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય મુકેશ કુમાર, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહને એક-એક સફળતા મળી છે.

ભારતે ઓસ્ટ્રેલિયાને 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ઓપનર યશસ્વી જયસ્વાલે 53 રનની ઇનિંગ રમી હતી, જેના માટે તેણે માત્ર 25 બોલ જ ખર્ચ્યા હતા. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. બીજા છેડે ઈશાન કિશને 32 બોલમાં 4 સિક્સ અને 3 ફોરની મદદથી 52 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયવાડે સમજદારીપૂર્વક બેટિંગ કરી અને 43 બોલમાં 58 રન બનાવ્યા. આ પછી રિંકુ સિંહે છેલ્લી બે ઓવરમાં સ્કોરબોર્ડ વધારવાની જવાબદારી લીધી. તેણે માત્ર 9 બોલ રમ્યા અને 31 રન બનાવ્યા. જેમાં 4 ફોર અને 2 સિક્સ સામેલ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ પણ યજમાન ટીમને આવી જ લડત આપી હતી.