ટીમને પ્લેઓફ્સમાં પહોંચાડવાનો શ્રેય મારા સાથીઓને જાય છેઃ કૃણાલ પંડ્યા

કોલકાતાઃ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે ગઈ કાલે કોલકાતા નાઈટ રાઈડર્સને પરાજય આપીને આઈપીએલ-2023 ટુર્નામેન્ટના પ્લેઓફ્સ તબક્કામાં પ્રવેશ મેળવ્યો છે. કૃણાલ પંડ્યાના નેતૃત્ત્વવાળી  ટીમે ગઈ કાલે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે 1-રનથી રોમાંતક મુકાબલામાં પરાજય આપ્યો હતો.

ટીમની આ સફળતા અંગે કૃણાલે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે પીચ પર બોલની ગતિ ધીમી પડી ગઈ હતી એટલે મેં મેચની આખરી ઓવર ફેંકવાની જવાબદારી ફાસ્ટ બોલર યશ ઠાકુરને સોંપી હતી. મને આ જીતથી ખૂબ જ સંતોષ થયો છે. પ્લેઓફ્સમાં પહોંચવાનો પ્રયાસ અમે ક્યારેય પડતો મૂક્યો નહોતો. ગઈ કાલની મેચમાં અમે ખૂબ જ દબાણ હેઠળ આવી ગયા હતા, પરંતુ સફળતાનો શ્રેય સાથી ખેલાડીઓને જાય છે.

 

આ જીત સાથે લખનઉ ટીમ પ્લેઓફ્સમાં રમવા માટે ક્વાલિફાઈ થઈ છે. તેણે કુલ 14 મેચોમાં આઠ જીત, પાંચ હાર અને એકમાં નો-રિઝલ્ટ સાથે કુલ 17 પોઈન્ટ મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોલકાતા ટીમ સાતમા ક્રમે રહેવા પામી છે.