અમદાવાદઃ ગયા વર્ષે પ્રવેશ સાથે જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધામાં વિજેતાપદ હાંસલ કરનાર ગુજરાત ટાઈટન્સ ટીમે આવતા વર્ષની સ્પર્ધા માટે પોતાની વિજેતા ટીમના ઘણા ખરા ખેલાડીઓને જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.
જોકે તેણે જેસન રોય (ઈંગ્લેન્ડ), લોકી ફર્ગ્યુસન (ન્યૂઝીલેન્ડ), રહમાનુલ્લાહ ગુરબાઝ (અફઘાનિસ્તાન) જેવા કેટલાક ખેલાડીઓને મુક્ત કરી દીધા છે. ઈંગ્લેન્ડના પસંદગીકારોએ હાલમાં જ રમાઈ ગયેલી આઈસીસી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા માટે રોયને પસંદ કર્યો નહોતો અને એને બદલે એલેક્સ હેલ્સ અને ફિલ સોલ્ટને પસંદ કર્યા હતા.
ગુજરાત ટાઈટન્સે તેના કેપ્ટન હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, ડેવિડ મિલર, મેથ્યૂ વેડ, મોહમ્મદ શમી, રશીદ ખાન જેવા મુખ્ય ખેલાડીઓને આવતા વર્ષની મોસમ માટે જાળવી રાખ્યા છે. એવી જ રીતે, સાઈ કિશોર, સાઈ સુદર્શન, અભિનવ મનોહર, યશ દયાલ જેવા યુવા ખેલાડીઓને પણ જાળવી રાખ્યા છે. ટીમ પાસે હજી 19.25 કરોડનું ફંડ પડ્યું છે. તે ત્રણ વિદેશી ખેલાડીઓને પસંદ કરી શકશે.