કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાની શરૂઆત નબળી રહી

મુંબઈઃ રવિન્દ્ર જાડેજાએ જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સનું સુકાનીપદ મહેન્દ્ર સિંહ ધોની પાસેથી હસ્તગત કર્યું હતું ત્યારે દરેક જણને એમ લાગ્યું હતું કે આ ઓલરાઉન્ડર આ કામગીરીમાં ઝળકશે, પરંતુ હાલ રમાતી આઈપીએલની 15મી આવૃત્તિમાં ચેન્નાઈ ટીમ તેની પહેલી ત્રણેય મેચ હારી ગઈ છે તેથી કેપ્ટન તરીકે જાડેજાની શરૂઆત નબળી રહી છે.

ધોનીના નેતૃત્વ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે ગયા વર્ષે વિજેતાપદ હાંસલ કર્યું હતું. 2008માં આઈપીએલની શરૂઆત થઈ ત્યારથી ધોની ચેન્નાઈ ટીમનું સુકાન સંભાળતો આવ્યો હતો, પરંતુ આ વખતની મોસમના આરંભે તેણે સુકાનીપદ છોડવાની જાહેરાત કરી હતી અને તેના અનુગામી તરીકે ટીમના સંચાલકોએ જાડેજાના નામની જાહેરાત કરી હતી. વર્તમાન મોસમમાં ચેન્નાઈ ટીમ અત્યાર સુધીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ સામેની મેચ હારી ચૂકી છે. હવે 9 એપ્રિલે તેનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થવાનો છે, જે ટીમ તેની પહેલી બંને મેચ હારી ચૂકી છે.