CSKના નવા જર્સીનું કેપ્ટન ધોનીએ કર્યું અનાવરણ

ચેન્નાઈઃ ભારતની મેગા-મનોરંજક પ્રોફેશનલ ટ્વેન્ટી-20 ક્રિકેટ સ્પર્ધા ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની 14મી સીઝન આવતી 9 એપ્રિલથી શરૂ થવાની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એની ટીમના ખેલાડીઓ માટેના નવા જર્સીનું અનાવરણ કર્યું છે. નવું જર્સી બતાવતો વિડિયો ટીમના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. નવા જર્સીમાં ભારતીય સેનાને સમ્માન આપીને એના ‘કેમોફ્લેજ’ને પણ દર્શાવવામાં આવ્યું છે. તેને જર્સીના ખભાના ભાગે સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય લશ્કરના ડ્રેસના ‘કેમોફ્લેજ’ને પણ સ્થાન આપીને ભારતીય સેના પ્રતિ સમર્પણની ભાવના વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ધોનીને ભારતીય ક્ષેત્રિય આર્મીમાં લેફ્ટેનન્ટ કર્નલની માનદ્દ પદવી આપવામાં આવી છે (2011માં). ચેન્નાઈ ટીમે છેક 2008ની પ્રારંભિક સ્પર્ધા બાદ આ પહેલી જ વાર એના જર્સીના રંગ-રૂપમાં ફેરફાર કર્યો છે. ધોનીના સુકાનીપદ હેઠળ ચેન્નાઈ ટીમે ત્રણ વાર – 2010, 2011, 2018માં આ સ્પર્ધા જીતી છે. તે ઉપરાંત ટીમ આઠ વખત ફાઈનલમાં અને 10 વાર પ્લેઓફ્સમાં પહોંચી ચૂકી છે. સ્પર્ધામાં ચેન્નાઈ ટીમ પોતાની પહેલી મેચ 10 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. એ મેચ મુંબઈમાં રમાશે.

આઈપીએલ-14 9 એપ્રિલથી 30 મે સુધી દેશના મુંબઈ, અમદાવાદ સહિત છ શહેરોમાં યોજાશે. પહેલી મેચ 9 એપ્રિલે વર્તમાન ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુંબઈમાં રમાશે. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.