રોહિત શર્માની કેપ્ટન-ઈનિંગ્ઝઃ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ-2020 વિજેતા

દુબઈઃ રોહિત શર્માએ 51 બોલમાં 4 છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે 68 રનની કેપ્ટન ઈનિંગ્ઝ ખેલતાં મુંબઈ ઈન્ડિયન્સે આજે અહીં આઈપીએલ-2020 સ્પર્ધાની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 5-વિકેટે પરાજય આપ્યો હતો. ગયા વર્ષની ચેમ્પિયન્સ મુંબઈ ટીમે પોતાનું વિજેતાપદ જાળવી રાખ્યું છે. તેનું આ પાંચમું આઈપીએલ વિજેતાપદ છે. આ પહેલાં, તેણે 2013, 2015, 2017 અને 2019માં આઈપીએલ ટાઈટલ જીત્યું હતું.

આજની ફાઈનલમાં, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 156 રન કર્યા હતા. એમાં શ્રેયસ ઐયરના અણનમ 65 અને રિષભ પંતના 56 રનનું મુખ્ય યોગદાન હતું. બંનેએ ચોથી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી.

તેના જવાબમાં, રોહિત શર્મા અને વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક (20)એ પહેલી વિકેટ માટે 45 બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 19 રન કરીને આઉટ થયો હતો, પણ શર્માએ એની આગવી આક્રમક ફટકાબાજી ચાલુ રાખીને ટીમને વિજયના દ્વારે મૂકી દીધી હતી. 17મી ઓવરમાં એ આઉટ થયો હતો.

ઈશાન કિશન (33 નોટઆઉટ)એ છેવટ સુધી પોતાનો છેડો સંભાળી રાખ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]