લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને ધરખમ બેટ્સમેન ઈન્ઝમામ-ઉલ-હક (51)ને ગઈ કાલે સાંજે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. એમને અહીંની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં ગઈ કાલે સાંજે જ એમની પર એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી. હવે એમની તબિયત સ્થિર છે. એમને છેલ્લા ત્રણ દિવસથી છાતીમાં દુખાવો રહેતો હતો. તેથી એમણે મેડિકલ ચેક-અપ કરાવ્યું હતું. એમને ગઈ કાલે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો.
ઈન્ઝમામ એમની કારકિર્દીમાં મેચવિનર બેટ્સમેન તરીકે પંકાયેલા હતા. એમણે 375 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 11,739 રન કર્યા હતા (10 સદી). એમણે 119 ટેસ્ટ મેચોમાં 8,830 રન કર્યા હતા (25 સેન્ચુરી, બે ડબલ સેન્ચુરી). પાકિસ્તાનના સૌથી સફળ બેટ્સમેનો પૈકી તેઓ એક છે. 2007માં એમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તે પછી એમણે પાકિસ્તાન ક્રિકેટમાં જુદા જુદા સ્તરે જવાબદારીઓ સંભાળી છે. તેઓ પાકિસ્તાનના બેટિંગ સલાહકાર હતા. તેમણે અફઘાનિસ્તાન ટીમના મુખ્ય કોચ તરીકે પણ કામગીરી બજાવી છે.