હોકી ખેલાડીઓ રૂપિન્દરપાલસિંહ, બિરેન્દ્ર લાકરાએ નિવૃત્તિ જાહેર કરી

નવી દિલ્હીઃ તાજેતરમાં રમાઈ ગયેલી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે કાંસ્ય ચંદ્રક જીતી લાવનાર સિનિયર પુરુષ હોકી ટીમના બે ખેલાડીએ ઓચિંતી નિવૃત્તિ જાહેર કરી છે. ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત પહેલાં ડ્રેગ-ફ્લિકર અને ડીફેન્ડર રૂપિન્દરપાલસિંહે કરી હતી અને ત્યારબાદ વાઈસ-કેપ્ટન તથા ડીફેન્ડર બિરેન્દ્ર લાકરાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઓલિમ્પિક્સ-2021 રમી આવ્યા બાદ અને કોરોના રોગચાળાને કારણે હોકી ટીમ હાલ આરામ કરી રહી છે. આ બંને ખેલાડીએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને કાંસ્ય ચંદ્રક જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે ચાર દાયકા બાદ ઓલિમ્પિક્સમાં હોકી રમતમાં મેડલ જીત્યો છે. ભારતે જર્મની સામેની જે મેચ 5-1થી જીતીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો તેમાં રૂપિન્દરપાલે પણ એક ગોલ કર્યો હતો.

રૂપિન્દરપાલસિંહ 2010માં તેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. ઓલિમ્પિક્સમાં એણે ચાર ગોલ કર્યા હતા. એણે કુલ 223 આંતરરાષ્ટ્રીય મેચોમાં 119 ગોલ કર્યા છે. 2014માં એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ, 2016માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતાપદ, 2015માં વર્લ્ડ લીગ ફાઈનલમાં કાંસ્ય ચંદ્રક અને 2017માં વર્લ્ડ લીગ ફાઈનલમાં પણ કાંસ્ય ચંદ્રક જીતનાર ભારતીય ટીમમાં રૂપિન્દરપાલસિંહ મહત્ત્વનો સભ્ય હતો. 2013ની સુલતાન અઝલન શાહ કપ અને 2016ની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં એ સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી હતો. 2020ની ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં એણે ગોલની હેટ-ટ્રિક નોંધાવી હતી.

ઓડિશાનિવાસી બિરેન્દ્ર લાકરાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ડીફેન્ડર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. એ ભારત વતી 201 આંતરરાષ્ટ્રીય મેચોમાં રમ્યો છે અને 10 ગોલ કર્યા છે. એ ભારત વતી બે ઓલિમ્પિક ગેમ્સમાં રમી ચૂક્યો છે.