એશિયન ચેમ્પિયન ટ્રોફીની સેમી ફાઇનલમાં ભારતની જીત

નવી દિલ્હીઃ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની સેમી ફાઇનલમાં ભારતીય હોકીએ દક્ષિણ કોરિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું હતું. ફાઇનલમાં ભારતનો મુકાબલો ચીન સાથે થશે. ચીને સેમી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારતીય ટીમના ખેલાડીઓએ એકજુટ થઈને પ્રદર્શન કર્યું હતું અને કોરિયન ટીમ ભારતીય ટીમની સામે ટકી શકી નહીં. ભારતે આ મેચ 4-1થી જીતી લીધી હતી. હવે ફાઇનલમાં ભારતનો સામનો ચીન સામે થશે.

આ મેચમાં ભારતીય હોકી ટીમે શાનદાર શરૂઆત કરી અને ભારતે 13મી મિનિટે જ ગોલ કર્યો હતો. ભારત તરફથી આ ગોલ ઉત્તમ સિંહે કર્યો હતો. આ પછી તેમને દક્ષિણ કોરિયા સામેની મેચમાં વાપસી કરવાનો મોકો મળ્યો, પરંતુ તેઓ એ તકનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં હરમનપ્રીત સિંહે ગોલ કરીને ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. ભારત માટે ત્રીજો ગોલ જરમનપ્રીત સિંહે કર્યો હતો. તેણે ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં જ ગોલ કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં કોરિયાએ પોતાનું ખાતું ખોલાવ્યું અને પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કર્યો, જ્યારે ભારત માટે ચોથો ગોલ હરમનપ્રીત સિંહે કર્યો હતો.

એશિયન એમ્પિયન્સ ટ્રોફીની હોકીની ફાઇનલમાં ભારતે છઠ્ઠી વખત પ્રવેશ કર્યો છે, જ્યારે ચીને સૌપ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. અત્યાર સુધીમાં ભારતે 38 અને દક્ષિણ કોરિયાએ 11માં જીત મેળવી છે. જ્યારે 12 મેચ ડ્રો રહી છે. બંને વચ્ચે છેલ્લી મુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના પૂલ સ્ટેજમાં થયો હતો. ભારતે આ મેચ 3-1થી જીતી હતી.