‘ભારતના બોલિંગ આક્રમણ સામે અમારો ઘરઆંગણાનો લાભ નિરર્થક’: કેપ્ટન બવૂમા

સેન્ચુરિયનઃ રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ આવતીકાલથી અહીંના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર સાઉથ આફ્રિકા સામે બે-મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ રમશે. મેચ ભારતીય સમય મુજબ, બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. મેચની પૂર્વસંધ્યાએ સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બવૂમાએ ભારતના બોલિંગ આક્રમણની તાકાતનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે ભારતના બોલિંગ આક્રમણમાં એટલી બધી શક્તિ અને સામર્થ્ય છે કે તેને કારણે યજમાનોને ઘરઆંગણે રમવાના મળેલો લાભ નિરર્થક બની જાય છે.

મોહમ્મદ શામી ઈજાગ્રસ્ત છે તે છતાં, ભારતને જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને મુકેશ કુમાર જેવા ફાસ્ટ બોલરોની સેવા મળશે. જ્યારે સ્પિન વિભાગમાં, વર્લ્ડ-ક્લાસ સ્પિનરો – રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો ટેકો મળશે. ‘એમની બોલિંગ તાકાત ઘણી જોરદાર છે એનાથી અમે વાકેફ છીએ. એમના બોલિંગ એટેકને કારણે અમને ઘરઆંગણે રમવાનો મળેલો લાભ નિરર્થક બની જાય છે. અમારા બેટર્સ એમના બોલરો સામે કેવો પડકાર ઝીલે છે એની પર અમારો મદાર રહેલો છે,’ એમ બવુમાએ કહ્યું.

આમ છતાં, રેકોર્ડ કહે છે કે ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં હજી સુધી એકેય ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. માત્ર ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા ટીમો જ જીતી શકી છે. સાઉથ આફ્રિકાની ધરતી પર ભારતીય ટીમ આઠ ટેસ્ટ શ્રેણી રમી છે, પણ એમાંની સાતમાં એનો પરાજય થયો છે. આ દેશની ધરતી પર ભારત અત્યાર સુધીમાં 23 ટેસ્ટ મેચ રમ્યું છે જેમાંથી માત્ર ચારમાં જીતી શક્યું છે.