મુંબઈઃ ભારતની દંતકથાસમાન બની ગયેલી મહાન મહિલા બેટર મિતાલી રાજે ક્રિકેટની રમતમાંથી સંન્યાસ લેવાની આજે જાહેરાત કરી છે. તેણે આ સાથે પોતાની 23-વર્ષ લાંબી અને સિદ્ધિઓથી સભર પ્રોફેશનલ કારકિર્દીનું સમાપન કરી દીધું છે. એણે એમ પણ કહ્યું છે કે, તેની ક્રિકેટ સફર અત્યંત સંતોષકારક રહી છે. જમોડી અને મધ્યમ ક્રમની બેટર મિતાલીએ 1999માં 16 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું અને આયરલેન્ડ સામેની તે પહેલી જ મેચમાં 114 રન ફટકાર્યા હતા. તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો બેટિંગ-આધાર બની હતી.
જોધપુરમાં જન્મેલી મિતાલીએ તમામ ફોર્મેટની ક્રિકેટમાં ભારતીય ટીમનું સુકાન પણ સંભાળ્યું હતું અને એની આગેવાની હેઠળ ટીમ 50-ઓવરવાળી વન-ડે ક્રિકેટની વર્લ્ડ કપમાં બે વખત ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી – 2005 અને 2017.
39 વર્ષની મિતાલીએ પોતાની નિવૃત્તિની જાહેરાત સોશ્યલ મિડિયા મારફત કરી છે. એમાં તેણે એક પત્ર પોસ્ટ કર્યો છે. મિતાલી મહિલાઓની વન-ડે ક્રિકેટમાં વિશ્વમાં સૌથી વધારે રન કરનાર બેટર છે. એણે 232 મેચમાં 50.68ની સરેરાશ સાથે 7,805 રન કર્યા છે. વન-ડે ક્રિકેટમાં સાત સદી અને 64 અડધી સદી ફટકારી છે. એને ‘ભારતીય મહિલા ક્રિકેટની સચીન તેંડુલકર’ કહેવામાં આવી છે. ભારત સરકારે મિતાલીને ‘અર્જુન પુરસ્કાર’ (2003), ‘પદ્મશ્રી’ પુરસ્કાર (2015) અને ‘મેજર ધ્યાનચંદ ખેલરત્ન’ (2021) પુરસ્કારથી સમ્માનિત કરી છે.
મિતાલીનાં આ વિક્રમ તોડવા મુશ્કેલ છે
- મહિલાઓની વન-ડે ક્રિકેટમાં વિશ્વમાં સૌથી વધારે રન કર્યાં છે. 232 મેચમાં 50.68ની સરેરાશ સાથે 7,805 રન કર્યા છે.
- 2017ની વર્લ્ડ કપમાં એણે સતત 7 અડધી સદી ફટકારી હતી.
- મિતાલી ભારત વતી સતત 109 મેચ રમી છે. આ વિક્રમ પણ તોડવો મુશ્કેલ છે.
- ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલમાં 2,000 રન કરનાર મિતાલી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર છે.
- 200 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમનાર તે વિશ્વની એકમાત્ર મહિલા ક્રિકેટર છે.
- ODI વર્લ્ડ કપમાં સૌથી વધારે – 24 મેચોમાં સુકાનીપદ સંભાળવાનો પણ તે વિશ્વવિક્રમ ધરાવે છે. એણે ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્ક (23)ને પાછળ રાખી દીધી છે.
- ભારત વતી ટેસ્ટ ક્રિકેટમાં ડબલ સેન્ચુરી કરનાર મિતાલી એકમાત્ર મહિલા બેટર છે. 2002માં એણે ઈંગ્લેન્ડ સામે 214 રન કર્યા હતા.