ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખેલાડીએ પોતાની અત્યાર સુધીની ઝળહળતી કારકિર્દીમાં સ્વયં અનેક બેટિંગ સિદ્ધિઓ હાંસલ કરવાની સાથે ટીમ ઈન્ડિયાને પણ અનેક સફળતાઓ અપાવી છે.
એક પછી એક મેચ રમતો જાય એમ કોહલી ખેલાડી તરીકે અને કેપ્ટન તરીકે કોઈને કોઈ રેકોર્ડ તોડતો જાય છે અને નવો બનાવતો જાય છે. એના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ટીમે સફળતાના અનેક શિખરો સર કર્યા છે.
આજે એ પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યો છે ત્યારે ચાલો એક નજર નાખીએ એણે અત્યાર સુધીમાં કરેલા વિક્રમો પર અને હાંસલ કરેલી સિદ્ધિઓ પર…
ટેસ્ટ ક્રિકેટમાં સાત ડબલ સેન્ચુરી, ભારતીય રેકોર્ડ
વિરાટ કોહલી ટેસ્ટ મેચોમાં સૌથી વધારે, 7 ડબલ સેન્ચુરી ફટકારવાનો ભારતીય વિક્રમ ધરાવે છે. આ ફોર્મેટમાં એનો વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર રહ્યો છે 254 રન. દક્ષિણ આફ્રિકા સામે ડબલ સેન્ચુરી ફટકારીને એણે મહેલા જયવર્દને (શ્રીલંકા) અને વોલી હેમંડ (ઈંગ્લેન્ડ)ના વિક્રમની બરોબરી કરી છે.
સેન્ચુરીઓનો બાદશાહ
બેટ્સમેન તરીકે કોઈ પણ બેટ્સમેન સર ડોનાલ્ડ બ્રેડમેનનો રેકોર્ડ તોડે એના જેવી મોટી સિદ્ધિ બીજી કોઈ ન હોય. કોહલીએ આ સિદ્ધિ હાલમાં જ હાંસલ કરી બતાવી. એણે કેપ્ટન તરીકે ટેસ્ટ મેચના દાવમાં સૌથી વધુ વાર 150-કે તેથી વધુ રન ફટકારવાના બ્રેડમેનના વિક્રમને તોડી નાખ્યો છે. બ્રેડમેને 8 વખત એ સિદ્ધિ હાંસલ કરી હતી, કોહલીએ 9મી વખથ 150 રન કરીને બ્રેડમેનને પાછળ રાખી દીધા છે.
વધુમાં, ટેસ્ટ ક્રિકેટમાં 26 સદીઓ પૂરી કરનારો એ ચોથા નંબરનો સૌથી ઝડપી બેટ્સમેન છે.
એવી જ રીતે, ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 50મી મેચમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરનાર પણ એ દુનિયાનો ચોથો ખેલાડી બન્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે અનોખો વિક્રમબાજ
આ છે ટેસ્ટ ક્રિકેટમાં એના નામે બોલતાં વિક્રમઃ
સતત ત્રણ કેલેન્ડર વર્ષમાં એણે 1000 રન ફટકાર્યા હતા. (2016માં 1215 રન કર્યા હતા. 2017માં 1059 રન અને 2018માં 1322 રન).
ટેસ્ટ સુકાની તરીકે સૌથી વધારે ડબલ સેન્ચુરી ફટકારવાનો વિક્રમ કોહલીએ પોતાના નામે કરી લીધો છે.
ભારતનો એ સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો છે. એના નેતૃત્ત્વ હેઠળ ભારતે 31 ટેસ્ટ મેચો જીતી છે, જે સૌથી વધારે છે.
દરિયાપારના દેશોમાં ભારતે કોહલીના નેતૃત્ત્વ હેઠળ 13 ટેસ્ટ મેચો જીતી છે. આ પણ ભારતીય વિક્રમ બન્યો છે.
ટ્વેન્ટી-20 ફોર્મેટમાં ધુરંધર…
ટેસ્ટ અને વન-ડે ઈન્ટરનેશનલની જેમ, ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં પણ કોહલીએ ભરપૂર વિક્રમો નોંધાવ્યા છે.
આ ફોર્મેટમાં બેટિંગમાં 50ની એવરેજ ધરાવનાર તે એકમાત્ર ભારતીય છે.
વાસ્તવમાં એ ત્રણેય ફોર્મેટમાં 50 કે તેથી વધુની બેટિંગ એવરેજ ધરાવે છે. ટેસ્ટ ક્રિકેટમાં એની બેટિંગ એવરેજ છે 54.78 તો વન-ડે ક્રિકેટમાં છે 60.31.
ટ્વેન્ટી-20માં એ 22 હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે, જોકે હજી સુધી સેન્ચુરી કરી શક્યો નથી.
કિંગ કોહલીની અન્ય સિદ્ધિઓ…વિશ્વમાં સૌથી ઝડપે 20 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા
એક જ દાયકામાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રન કરનારો કોહલી દુનિયાનો પહેલો જ બેટ્સમેન છે.
ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધારે ડબલ સેન્ચુરી ફટકારી
આઈસીસી સંસ્થા દ્વારા એનાયત કરાતા તમામ એવોર્ડ્સ જીતીને ક્લીન સ્વીપ કરનાર પહેલો ખેલાડી
કેપ્ટન તરીકે સૌથી વધુ સિરીઝ જીતનાર ભારતીય કેપ્ટન. એણે અત્યાર સુધીમાં 13 સિરીઝ જીતી બતાવી છે.
મહેન્દ્ર સિંહ ધોની 12 અને સૌરવ ગાંગુલીના નામે 9 સિરીઝ-વિજયનો આંકડો બોલે છે.
એક જ દાયકામાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રન કરનારો કોહલી દુનિયાનો પહેલો જ બેટ્સમેન છે.
વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10 હજાર રન સૌથી ઝડપે પૂરા કરનારો બેટ્સમેન છે.
વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી ઝડપે 1000 રન પૂરા કરનાર બેટ્સમેન છે.
2017માં, કોહલીએ એક જ વર્ષમાં કેપ્ટન તરીકે 1,460 રન કર્યા હતા, જે ભારતીય સ્તરે વિક્રમ છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ પણ પોતાની વેબસાઈટ પર આ વિડિયો રિલીઝ કરીને કોહલીના જન્મદિવસની ઉજવણી કરી છે અને એને અભિનંદન આપ્યા છે. આ વિડિયો કોહલીની એ પહેલી આંતરરાષ્ટ્રીય સદીને દર્શાવતો છે જ્યારબાદ કોહલી જબરદસ્ત રનમશીન બની ગયો છે.
As #TeamIndia Captain @imVkohli turns 31, we take a look back at his maiden ODI hundred and where it all started for the Run Machine. #HappyBirthdayVirat ??? pic.twitter.com/6vNY1U4p8H
— BCCI (@BCCI) November 4, 2019
કોહલીની ઝમકદાર કારકિર્દીને મળ્યાં આ સમ્માન…
અર્જુન એવોર્ડ – 2013
પદ્મશ્રી – 2017
રાજીવ ગાંધી ખેલરત્ન – 2018
ICC ODI પ્લેયર ઓફ ધ યર – 2012, 2017, 2018
ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર – 2018
પોલી ઉમરીગર એવોર્ડ – 2011-12, 2014-15, 2015-16, 2016-17, 2017-18
વિઝડન લીડિંગ વર્લ્ડ ક્રિકેટર – 2016, 2017, 2018
CEAT ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર – 2011-12, 2013-14, 2018-19