પત્ની અનુષ્કા સાથે વિરાટે ભૂટાનમાં ઉજવ્યો પોતાનો જન્મદિવસ

મુંબઈ – ભારતનો ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જિંદગીના આ વિશેષ દિવસે એ ભારતમાં નથી, પણ ભૂટાનમાં છે. પત્ની અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની સાથે એ ભૂટાનના નયનરમ્ય પર્વતીય વિસ્તારમાં રજા માણવા ગયો છે.

કોહલી પર આજે જન્મદિવસ નિમિત્તે ચારેકોરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

સામાન્ય રીતે સેલિબ્રિટી વ્યક્તિઓ પોતાના જન્મદિવસે પાર્ટી યોજીને મોજમજા કરે, પણ કોહલીએ પોતાનો આજનો દિવસ શાંતિપૂર્વક અને માત્ર પોતાની પત્ની સાથે ઉજવવાનું પસંદ કર્યું છે. દંપતી અમુક દિવસોથી ભૂટાનમાં છે.

આજે જન્મદિવસે કોહલીએ એક ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. જેમાં તે પત્ની અનુષ્કાની સાથે બ્રેકફાસ્ટ કરી રહેલો દેખાય છે. બંને જણ એવી જગ્યાએ બેઠાં છે જ્યાં આસપાસ પહાડો નજરે પડે છે. બંને જણ કુદરતના સાંનિધ્યમાં અને શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસીને નાસ્તો કરી રહ્યા છે.

 

આ ફોટો શેર કરીને કોહલીએ એનાં પ્રશંસકોનો આભાર પણ માન્યો છે. એણે ફોટાની કેપ્શનમાં લખ્યું છેઃ ‘આ સુંદર સ્થળે મારી સોલમેટની સાથે આવવું બહુ જ ગમ્યું છે. સૌને પ્રેમ અને અભિનંદન માટે દિલથી આભાર.’

અનુષ્કા શર્માએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભૂટાનનાં સુંદર ફોટા શેર કર્યા છે. જોકે એમાં ક્યાંય વિરાટ દેખાતો નથી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]