લ્યો બોલો, ભાગેડૂ-ઝાકીર ફૂટબોલપ્રેમીઓને ઈસ્લામનો ઉપદેશ આપશે

દોહાઃ મની લોન્ડરિંગ અને કોમી ઉશ્કેરણી ફેલાવતા ભાષણો કરવા બદલ ભારતે જેને ભાગેડૂ ઘોષિત કર્યો છે અને જે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ તથા નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીના ‘વોન્ટેડ’ લિસ્ટમાં છે, તે વિવાદાસ્પદ ભારતીય ઈસ્લામિક ઉપદેશક ઝાકીર નાઈક મલેશિયાથી કતર ગયો હોવાનો અહેવાલ છે, જ્યાં દોહા શહેરમાં આજથી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધાનો આરંભ થયો છે. દોહામાં એ ફૂટબોલપ્રેમીઓ સમક્ષ ધાર્મિક ભાષણો કરવાનો છે એવું કહેવાય છે. અબ્દુલ્લા અલામદી નામના એક કટારલેખક અને લેખકે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી છે કે ઝાકીર નાઈક કતરમાં ફિફા વર્લ્ડ કપમાં હાજરી આપશે.

મુંબઈમાં જન્મેલો નાઈક 2016માં ઢાકામાં એક રેસ્ટોરન્ટમાં બોમ્બવિસ્ફોટ થયા બાદ ભારતમાંથી ભાગી ગયો હતો. એવો આરોપ છે કે તે વિસ્ફોટ નાઈકના ભાષણોથી પ્રેરિત હતો. તે હુમલામાં 17 વિદેશીઓ સહિત 20 જણ માર્યા ગયા હતા. નાઈક પર આરોપ છે કે એ એની પીસ ટીવી ચેનલ તેમજ સોશ્યલ મીડિયા નેટવર્ક્સ મારફત સમાજોમાં કોમી લાગણી ભડકાવે છે. એ હાલ મલેશિયામાં રહે છે. એણે ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા બનાવી છે. ભારત સરકારે 2016થી આ સંસ્થા પર પ્રતિબંધ મૂક્યો છે. નાઈક પર આરોપ છે કે એ ભારતમાં તેમજ વિદેશમાંના મુસ્લિમ યુવકોને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે ભડકાવે છે.