યૂએઈના વસાહતી ભારતીય-ઉદ્યોગપતિએ ગોલકીપર-શ્રીજેશને રૂ.1-કરોડનું ઈનામ આપ્યું

દુબઈઃ ગઈ કાલે જ સમાપ્ત થયેલી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ-2020માં ભારતીય પુરુષોની હોકી ટીમે કાંસ્યચંદ્રક જીત્યો હતો. ભારતે આ રમતમાં 41 વર્ષ પછી પહેલી વાર મેડલ જીત્યો છે. ભારતની આ જીતમાં ગોલકીપર પી.આર. શ્રીજેશની કામગીરીની ખૂબ પ્રશંસા થઈ છે. તેણે હરીફ ટીમોના અસંખ્ય ગોલ અટકાવીને ભારતને મેડલ જીતાડવામાં મહત્ત્વની કામગીરી બજાવી છે. ભારતે કાંસ્યચંદ્રક માટેની મેચમાં જર્મનીને 5-4થી પરાજય આપ્યો હતો. તે મેચની આખરી સેકંડોમાં જર્મનીને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પણ શ્રીજેશે હરીફ ખેલાડીના સ્ટ્રોકને જોરદાર રીતે સેવ કરીને ભારત વિરુદ્ધ ગોલ થતો રોક્યો હતો અને મેચને 5-5થી બરોબરી પર જતા રોકી હતી.

કેરળના કોચીનિવાસી શ્રીજેશના દેખાવથી ખુશ થઈને યૂએઈની વીપીએસ હેલ્થકેર કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. શમશીર વાયાલિલે એને માટે રૂ. એક કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી છે. ડો. વાયાલિલે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘મને એ વાતનું ગૌરવ છે કે એક સાથી મલયાલી તરીકે શ્રીજેશે ઓલિમ્પિક્સમાં અસાધારણ રમત રમીને દુનિયાભરમાં વસતા ભારતીયોને ખુશી અપાવી છે. એની સિદ્ધિ બદલ હું ગર્વની લાગણી મહેસુસ કરી રહ્યો છું. એના દેખાવને કારણે હોકીની રમતમાં લોકોને નવેસરથી રસ પડશે. શ્રીજેશ ઉપરાંત સમગ્ર ભારતીય હોકી ટીમનો દેખાવ ભારતના સેંકડો યુવકોમાં હોકી રમત પ્રત્યે આકર્ષણ જગાડશે અને એમને પ્રોત્સાહિત કરશે. એને આ રોકડ ઈનામ આ મહિનાના અંતભાગમાં કોચીમાં વિશેષ સમારંભમાં એનાયત કરવામાં આવશે.’ પોતાને ઈનામ આપવા બદલ શ્રીજેશે વાયાલિલનો આભાર માન્યો છે.