પેરા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ

હાંગજોઉઃ ભારતીય પેરા ખેલાડીઓએ હાંગજોઉ પેરા એશિયન ગેમ્સમાં 111 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય પેરા ખેલાડીઓએ 29 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ જીત્યા છે. ભારત મેડલ જીતવાની દ્રષ્ટિએ પાંચમા ક્રમાંકે છે. પહેલી પેરા એશિયન ગેમ્સ 2010માં ગ્વાંગઝુમાં થઈ હતી. પેરા એશિયન ગેમ્સની પહેલી એડિશનમાં ભારત 14 મેડલ જીતીને 15મા સ્થાને રહ્યું હતું. ત્યાર બાદ 2014માં ભારત 15મા અને 2018માં નવમા સ્થાને રહ્યું હતું.

હાંગજોઉ પેરા એશિયન ગેમ્સમાં 521 મેડલ (214 ગોલ્ડ, 167 સિલ્વર અને 140 બ્રોન્ઝ)ની સાથે ચીન મેડલની યાદીમાં પહેલા ક્રમાંકે છે. જ્યારે ઇરાન 44 ગોલ્ડ, 46 સિલ્વર અને 41 બ્રોન્ઝની સાથે બીજા ક્રમાંકે છે. આ યાદીમાં જાપાન કુલ 150 (42 ગોલ્ડ, 49 સિલ્વર અને 59 બ્રોન્ઝ) સાથે ત્રીજા અને સાઉથ કોરિયા કુલ 103 (30 ગોલ્ડ, 33 સિલ્વર અને 40 બ્રોન્ઝ)ની સાથે ચોથા ક્રમાંકે રહ્યું હતું.

હાંગજોઉ પેરા એશિયન ગેમ્સમાં 111 મેડલ જીતીને ભારત મેડલોની યાદીમાં પાંચમા ક્રમાંકે રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ગેમ્સ ટુર્નામેન્ટમાં ભારતનો આ સર્વશ્રેષ્ઠ દેખાવ છે. આ પહેલાં 23 સપ્ટેમ્બરથી આઠ ઓક્ટોબરની વચ્ચે હાંગજોઉ એશિયન ગેમ્સમાં ભારતે 107 મેડલ જીત્યા હતા. ભારતે 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં પહેલી વાર 100થી વધુ મેડલ જીત્યા હતા.

ભારતીય ખેલાડીઓએ સૌથી વધુ 55 મેડલ એથ્લેટિક્સમાં જીત્યા હતા, જ્યારે બેડમિન્ટન ખેલાડીઓએ ચાર ગોલ્ડ સહિત 21 મેડલ જીત્યા હતા. ચેસમાં આઠ અને આર્ચરીમાં સાત મેડલ મળ્યા હતા. શનિવારે ભારતે ચાર ગોલ્ડ સહિત 12 મેડલ જીત્યા હતા.