રાયપુરઃ ભારત અને ન્યુ ઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની બીજી વનડે મેચ રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે ન્યુ ઝીલેન્ડ સામેની બીજી વનડે આઠ વિકેટે જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યુ ઝીલેન્ડની ટીમને ભારતીય બોલરોએ 108 રન પર સમેટાઈ હતી. મોહમ્મદ શમીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. બંને ટીમોની પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર નહોતો કરવામાં આવ્યો. પહેલી વનડે મેચ ટીમ ઇન્ડિયા જીતી હતી અને સિરીઝમાં 1-0થી આગળ છે.
પહેલી મેચમાં 12 રનોથી જીત મેળવ્યા પછી ટીમ ઇન્ડિયાએ હવે સિરીઝમાં 2-0થી જીત મેળવી છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ 50 બોલમાં 51 રન બનાવ્યા હતા, વિરાટ કોહલી નવ બોલમાં 11 રન બનાવ્યા હતા, જ્યારે શુભમન ગિલે 40 અને ઇશાન કિશને આઠ રન બનાવ્યા હતા.
ન્યુ ઝીલેન્ડની ટીમનો એક પણ બેટસમેન ટીમ ઇન્ડિયા સામે ટકી નહોતો શક્યો. ન્યુ ઝીલેન્ડની ટીમની વિકેટો સમયાંતરે પડી હતી. ટીમની પાંચ વિકેટ સાવ સસ્તામાં 15 રનમાં પડી ગઈ હતી. ત્યાર બાદ અન્ય પાંચ વિકેટો પણ સમયાંતરે પડી હતી અને ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુ ઝીલેન્ડની ટીમમાં ગ્લેન ફિલિપ્સે 36 રન, એમ બ્રેસવેલ 22 અને સેન્ટનર 27 રન કર્યા હતા. એ સિવાય બાકી કોઈ પણ બેટ્સમેન દ્વિઅંકીમાં પહોંચ્યો નહોતો. સામે પક્ષે ટીમ ઇન્ડિયામાં શમીને ત્રણ વિકેટ. હાર્દિક પંડ્યાને બે અને વોશિંગ્ટન સુંદરને બે, જ્યારે સિરાજ, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.