સેન્ચુરિયનઃ અહીંના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર ગઈ કાલથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થયેલી 3-મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં પહેલો દિવસ ભારત અને તેના ઓપનર અને વાઈસ-કેપ્ટન કે.એલ. રાહુલના નામે રહ્યો. વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ લીધા બાદ ભારતે દિવસને અંતે તેના પહેલા દાવમાં 3 વિકેટના ભોગે 272 રન કર્યા હતા. રાહુલ 122 રન અને અજિંક્ય રહાણે 40 રન કરીને દાવમાં હતો. ભારતે આ ત્રણ વિકેટ ગુમાવી છેઃ મયંક અગ્રવાલ 60, ચેતેશ્વર પૂજારા ઝીરો અને કોહલી 35. રાહુલે ગઈ કાલે 248 બોલનો સામનો કર્યો હતો અને 16 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને દક્ષિણ આફ્રિકાના બોલરોને પોતાની આક્રમક્તા પણ બતાવી.
ભારતની ત્રણેય વિકેટ દક્ષિણ આફ્રિકાના જમોડી ફાસ્ટ બોલર લુન્ગી એન્ગીડીએ લીધી છે. એણે કુલ 17 ઓવર ફેંકી હતી અને 45 રનમાં 3 વિકેટ લીધી. ગઈ કાલની રમત બાદ એણે કહ્યું કે જો બીજા દિવસે અમે ભારતનો પહેલો દાવ 350 રનમાં સમેટવામાં સફળ થઈશું તો મેચમાં પલટો આવી શકે છે. આ તો ટેસ્ટ ક્રિકેટ છે. કોઈક સત્રમાં તમે સફળ થાવ તો કોઈકમાં નિષ્ફળ જાવ. આ પિચ પરથી બોલરોને હજી ઘણી મદદ મળી શકે છે.
