અમદાવાદઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધા આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારતમાં યોજાવાની છે. તેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. ઘોષિત કાર્યક્રમ મુજબ, બંને વચ્ચેનો લીગ મુકાબલો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે, પરંતુ એ જ દિવસથી ગુજરાતમાં નવરાત્રી ઉત્સવનો આરંભ થવાનો છે. આમ, મેચની તારીખનું ઘર્ષણ થાય છે. તેથી મેચની તારીખ બદલવામાં આવે એવી ધારણા છે, એમ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે. વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ સૌથી મોટો મુકાબલો હશે અને તે બાબતને લક્ષમાં રાખીને અમદાવાદના પોલીસ તંત્રએ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને વિનંતી કરી છે કે તે આ મેચની તારીખને બદલે. 15 ઓક્ટોબરે નવરાત્રીનો પહેલો જ દિવસ હશે અને અમદાવાદમાં ગરબા નાઈટ્સનું મોટા પાયે આયોજન કરવામાં આવતું હોય છે.
ક્રિકેટ બોર્ડ માટે તારીખ બદલવાનું કામ બહુ કપરું બની રહેશે, કારણ કે વર્લ્ડ કપ કાર્યક્રમની જાહેરાત થયા બાદ તરત જ અમદાવાદમાં ભારત-પાક મેચ જોવા માટે ઉત્સૂક થયેલા હજારો ક્રિકેટપ્રેમીઓએ હોટેલોમાં રૂમ બુક કરાવી દીધી છે. ક્રિકેટ મેચની ટિકિટો પણ વેચાણમાં મૂકાતાં અમુક મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી.