અમદાવાદ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફી માટેની ચોથી અને વર્તમાન શ્રેણીની આખરી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવન સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શ્રેણીમાં ભારત 2-1ની અપરાજિત સરસાઈથી આગળ છે.

મેચના આરંભે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અતિથિ વિશેષ તરીકે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનીઝ પણ ઉપસ્થિત રહ્યા છે. મોદી સવારે સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા અને બાદમાં અલ્બેનીઝ આવી પહોંચતા એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતા આજે પહેલા દિવસની રમતને સ્ટેડિયમમાં બેસીને નિહાળશે.

ભારતે ત્રીજી ટેસ્ટમાં રમેલી ટીમમાં એક ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આરામ આપ્યો છે અને તેની જગ્યાએ અન્ય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ઈલેવનમાં સામેલ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ તેની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, શ્રીકાર ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયન ટીમઃ ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવન સ્મીથ (કેપ્ટન), પીટર હેન્ડ્સકોમ્બ, કેમરન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, મેથ્યૂ કુનમન, ટોડ મર્ફી અને નેથન લાયન.