અમદાવાદની બંને ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવ રમશે

અમદાવાદઃ અહીં મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાનાર આગામી બે ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર ઉમેશ યાદવને અન્ય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરની જગ્યાએ લેવામાં આવ્યો છે. ત્રીજી ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીથી રમાશે, જે ડે-નાઈટ હશે. ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ 4 માર્ચથી રમાશે. બંને ટીમ હાલ 1-1થી સમાન છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે બંને આગામી ટેસ્ટ મેચ માટે 17-સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઉમેશ યાદવ હવે ઈજામુક્ત થઈ ગયો છે અને શાર્દુલને વિજય હઝારે ટ્રોફી માટે રિલીઝ કરવામાં આવ્યો છે. આ એકમાત્ર ફેરફાર સિવાય ટીમના અન્ય સભ્યો યથાવત્ છે, જેઓ ચેન્નાઈમાં પહેલી બે ટેસ્ટ મેચમાં હતા. ટીમ આ મુજબ છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઈશાંત શર્મા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.