આઈપીએલ-હરાજીમાં મોરિસ સૌથી મોંઘાભાવે રૂ.16.25 કરોડમાં ખરીદાયો

ચેન્નાઈઃ આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધા માટે ખેલાડીઓની હરાજી આજે અહીં યોજવામાં આવી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ક્રિસ મોરિસે સ્પર્ધાની હરાજીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમે એને રૂ. 16.25 કરોડની રકમમાં ખરીદ્યો છે. આ સૌથી મોટી રકમ બની છે. આ પહેલાં યુવરાજસિંહને દિલ્હી ડેરડેવિલ્સ ટીમે 2015માં રૂ. 16 કરોડમાં ખરીદ્યો હતો. આજની હરાજીમાં મોરિસની બેઝ પ્રાઈસ રૂ. 75 લાખ હતી. બોલીની હરીફાઈમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સ (અગાઉની કિંગ્સ ઈલેવન પંજાબ)ને પછડાટ આપી હતી. 33-વર્ષનો મોરિસ આઈપીએલમાં 70 મેચ રમી ચૂક્યો છે. એમાં તેણે 551 રન કર્યા છે અને 80 વિકેટ લીધી છે. ગયા વર્ષની મોસમમાં ઈજાને કારણે એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ વતી ઘણી મેચો ચૂકી ગયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમે ઓસ્ટ્રેલિયાના 32 વર્ષીય ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને રૂ. 14.25 કરોડમાં ખરીદ્યો હતો. એની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા હતી. મેક્સવેલને પંજાબ કિંગ્સે છૂટો કર્યો હતો. આ ખેલાડીને તેણે 2020ની મોસમમાં રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો હતો.