ચેતેશ્વર પૂજારાની IPL-2021માં હરાજીઃ હોલમાં તાળીઓનો ગડગડાટ

નવી દિલ્હીઃ IPL 2021ની (ઇન્ડિયન પ્રીમિયર લીગ્સ) આવનારી સીઝન માટેની હરાજી ચેન્નઈમાં થઈ હતી. આ લિલામીમાં એક ડઝનથી વધુ ખેલાડીઓમાં એવા હતા, જેમના પર પૈસાનો વરસાદ થયો હતો. આશરે 50 ક્રિકેટરોને વિવિધ ટીમે ખરીદ્યા હતા, પણ માત્ર એક ક્રિકેટરને ખરીદાતાં તાળીઓથી હોલ ગૂંજી ઊઠ્યો હતો. આ ક્રિકેટર અન્ય કોઈ નહીં, ચેતેશ્વર પૂજારા હતો.

ભારતીય ટેસ્ટ ટીમના મુખ્ય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા સાત વર્ષ બાદ હરાજીમાં ખરીદવામાં આવ્યો છે. પૂજારાના આઇપીએલની 2021ની હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સે તેના બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. પૂજારાએ પોતાની અંતિમ આઈપીએલ મેચ મે, 2014માં રમી હતી.

ચેતેશ્વર પૂજારા પર આમ તો ટેસ્ટ મેચના ક્રિક્રેટરની છાપ પડી ગઈ છે. ક્રિકેટમાં તેની ધીમી રમતની ટીકા પણ થઈ છે. આ વિશે પૂજારાએ પણ આઇપીએલમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને કોઈ પણ ટીમે તેના તરફ લક્ષ ના આપતાં તેણે દુઃખ પણ વ્યક્ત કર્યું જ છે.

પૂજારા હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તોફાની બેટિંગ કરી હતી. પૂજારાએ આઇપીએલમાં 30 મેચમાં 22 ઇંનિંગ્ઝમાં કુલ 390 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 100થી ઓછો છે, તેણે એક જ અડધી સદી ફટકારી છે. તેની સરેરાશ 20.53ની છે.