એડીલેડઃ ઓસ્ટ્રેલિયામાં રમાતી T20 વર્લ્ડ કપ-2022માં મોટું જબરદસ્ત અપસેટ પરિણામ આવ્યું છે. આજે ગ્રુપ-2માં રમાઈ ગયેલી મેચમાં, નેધરલેન્ડ્સે સાઉથ આફ્રિકાને 13-રનથી પછાડી દીધું છે. આ પરાજય સાથે સેમી ફાઈનલમાં પ્રવેશવાની સાઉથ આફ્રિકાની તકો ઘટી ગઈ છે. 6 પોઈન્ટ ધરાવતું ભારત સેમી ફાઈનલ માટે ક્વાલિફાઈ થઈ ગયું છે. ગ્રુપ-2માંથી સેમી ફાઈનલમાં બીજું સ્થાન મેળવવા માટે પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે ટક્કર છે. સાઉથ આફ્રિકાના પાંચ પોઈન્ટ છે. આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી જે ટીમ જીતશે એ સાત પોઈન્ટ સાથે સેમી ફાઈનલ માટે ક્વાલિફાઈ થશે. વરસાદને કારણે કે અન્ય કારણસર આ મેચ ન રમાય અને બંને ટીમને એક-એક પોઈન્ટ મળે તો વધારે સારા રન-રેટને કારણે સાઉથ આફ્રિકા સેમી ફાઈનલમાં પહોંચી શકે છે. ભારત સેમી ફાઈનલમાં પહોંચી જતાં ઝિમ્બાબ્વે વચ્ચે આજે મેલબોર્નમાં રમાનાર આખરી ગ્રુપ-2 મેચ માત્ર એક ઔપચારિક્તા સમાન બની રહેશે. નેધરલેન્ડ્સના હાથે સાઉથ આફ્રિકાનો પરાજય વર્તમાન T20 વર્લ્ડ કપમાં ગ્રુપ તબક્કામાં બીજું મોટું અપસેટ પરિણામ છે. ગઈ વેળાનું ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ગ્રુપ-1માંથી સેમી ફાઈનલની રેસમાંથી આઉટ થઈ ગયું છે.
આજની મેચમાં, સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બવુમાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. કેપ્ટન અને વિકેટકીપર સ્કોટ એડવર્ડ્સની આગેવાની હેઠળ રમનાર નેધરલેન્ડ્સે તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 158 રન કર્યા હતા. તેના જવાબમાં, સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 145 રન કરી શકી હતી. નેધરલેન્ડ્સના ઓલરાઉન્ડર કોલીન એકરમેનને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એણે બેટિંગમાં 26 બોલમાં બે છગ્ગા, 3 ચોક્કા સાથે અણનમ 41 રન કર્યા હતા અને બોલિંગમાં 3 ઓવરમાં માત્ર 16 રન આપ્યા હતા.