કોવિડ નિયમોનું ઉલ્લંઘન? ભારતીય ક્રિકેટરો નિર્દોષ જાહેર

સિડનીઃ ભારતની ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં છે અને એ દરમિયાન તેના કેટલાક ખેલાડીઓએ કોરોના વાઈરસ રોગચાળાને લગતા આરોગ્ય નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાના અહેવાલો હતા. પરંતુ, હવે ભારતના ક્રિકેટરો અને સ્ટાફ સભ્યોને એ આક્ષેપોમાંથી ક્લીન ચિટ આપવામાં આવી છે.

ભારતના પાંચ ક્રિકેટરો – વાઈસ કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, રિષભ પંત, પૃથ્વી શૉ અને નવદીપ સૈની મેલબર્ન શહેરની એક રેસ્ટોરન્ટમાં જમી રહ્યા હોવાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર દેખાયા બાદ બાયોસિક્યુરિટી પ્રોટોકોલ્સના ભંગના આક્ષેપોમાં ઓસ્ટ્રેલિયા અને ભારત, બંને દેશના ક્રિકેટ બોર્ડે તપાસ હાથ ધરી હતી અને પાંચેય ખેલાડોને આઈસોલેશનમાં મૂકી દેવામાં આવ્યા હતા. ખેલાડીઓ અને સ્ટાફ સભ્યોની ગઈ કાલે કોવિડ ટેસ્ટ કરવામાં આવી હતી. તમામ ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જાન્યુઆરીએ સિડનીમાં ત્રીજી ટેસ્ટ રમાવાની છે. ચાર-મેચની સિરીઝમાં બંને ટીમ 1-1થી સમાન છે.