ચંડીગઢઃ ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરદાર સિંહે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મનપ્રીત સિંહ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રીય હોકી ટીમ ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં ટોપ-3માં આવશે અને મેડલના દુકાળનો અંત લાવી દેશે.
ઓલિમ્પિક્સમાં પુરુષ હોકીની રમતમાં ભારત છેલ્લે 1980ની મોસ્કો ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. ત્યારપછી ભારત આઠ ઓલિમ્પિક્સમાં રમ્યું છે, પણ મેડલ જીતવામાં નિષ્ફળ ગયું છે.
હોકી ઈન્ડિયાએ સરદાર સિંહને એમ કહેતા ટાંક્યા છે કે, હું 314 આંતરરાષ્ટ્રીય મેચો રમ્યો છું, પરંતુ દેશને ઓલિમ્પિક મેડલ જીતાડી ન શક્યો એનો મને કાયમ અફસોસ રહી જશે.પરંતુ, હાલની ટીમને છેલ્લા એક વર્ષમાં એક પછી એક સફળતા હાંસલ કરતી જોઈને મને આશા છે કે આપણને હાથતાળી આપી રહેલો ઓલિમ્પિક મેડલ આ ટીમ જીતી લાવશે. ટોકિયો ગેમ્સમાં ભારતને મેડલ જીતવાની ખરી તક છે.
ટોકિયો ઓલિમ્પિક્સ આ જ વર્ષમાં નિર્ધારિત હતી, પરંતુ કોરોના વાઈરસ રોગચાળો ફેલાતાં એને 2021ના ઉનાળા સુધી મુલતવી રાખવામાં આવી છે.
સરદાર સિંહનું માનવું છે કે ઓલિમ્પિક એક વર્ષ મોકૂફ રખાતાં ભારતીય ટીમના ખેલાડીઓને એમની ખામીઓ દૂર કરવાનો એક્સ્ટ્રા ટાઈમ મળ્યો છે.
મનપ્રીત સિંહ પવાર પંજાબના જલંધરમાં જન્મ્યો છે. એ હાફબેક તરીકે રમે છે. એને 2016ની ઓલિમ્પિક્સ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એ 2012ની ઓલિમ્પિક ગેમ્સમાં પણ રમ્યો હતો.