પહેલી-ટેસ્ટમાં દ.આફ્રિકા પર ભારતનો 113-રનથી શાનદાર વિજય

સેન્ચુરિયનઃ વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમે અહીંના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર આજે દક્ષિણ આફ્રિકાને 113 રનથી પછાડીને પહેલી ટેસ્ટ મેચ જીતી લીધી છે અને ત્રણ-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી જોહનિસબર્ગમાં રમાશે.

દક્ષિણ આફ્રિકાને પહેલી ટેસ્ટ મેચ જીતવા માટે 305 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આજે પાંચમા અને આખરી દિવસે લંચ બાદના સત્રમાં ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના બે ફાસ્ટ બોલર – જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. અન્ય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે બે જ્યારે ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બે બેટ્સમેન આઉટ કર્યા હતા. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન અને ઓપનર ડીન એલ્ગરે જ ભારતના બોલરોનો પ્રતિકાર કર્યો હતો. તેણે 77 રન કર્યા હતા. એ સિવાય બીજો કોઈ બેટ્સમેન હાફ સેન્ચુરીની નજીક પણ પહોંચી શક્યો નહોતો.