સેન્ચુરિયનઃ અહીંના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે પહેલી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. બે-મેચની શ્રેણીની આ પહેલી મેચ છે. ગૃહ ટીમના કેપ્ટન ટેમ્બા બવૂમાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે. પહેલા દાવમાં ભારતનો દેખાવ નબળો રહ્યો છે. ટી-બ્રેક વખતે ભારતનો સ્કોર 7 વિકેટે 176 રન હતો. વિકેટકીપર કે.એલ. રાહુલ 39 રન સાથે દાવમાં હતો. લંચ સમયે ભારતનો સ્કોર 3 વિકેટે 91 રન હતો. એ પછીના સત્રમાં ભારતે વધુ 4 વિકેટ ગુમાવી હતી. ભારતની આ બૂરી હાલત કરનાર છે સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર કેગિસો રબાડા, જેણે 15 ઓવરમાં 41 રન આપીને પાંચ વિકેટ ઝડપી છે. એણે ઝડપેલા શિકાર છે – રોહિત શર્મા (5), વિરાટ કોહલી (38), શ્રેયસ ઐયર (31), રવિચંદ્રન અશ્વિન (8) અને શાર્દુલ ઠાકૂર (24).
યશસ્વી જાયસવાલ (5) અને શુભમન ગિલ (2)ની વિકેટ સાઉથ આફ્રિકાના નવોદિત ડાબોડી ફાસ્ટ બોલર નાન્દ્રે બર્ગરે લીધી છે.
ભારતીય ઈલેવનમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરવામાં આવ્યો છે. કૃષ્ણાની કારકિર્દીની આ પહેલી જ ટેસ્ટ મેચ છે. રવિન્દ્ર જાડેજાને પીઠમાં દુખાવો હોવાથી તે ઈલેવનમાંથી બહાર છે. ભારતીય ટીમમાં ચાર ફાસ્ટ બોલર છે – જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણા. સાઉથ આફ્રિકા ટીમે બે ખેલાડીને ટેસ્ટ કેપ આપી છે – નાન્દ્રે બર્ગર અને ડેવિડ બેડિંગમ. બંને ટીમ વચ્ચેની બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.