મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સાથે ટીમ ઈન્ડિયાની ચાર-મેચની આગામી ટેસ્ટ શ્રેણી પૂર્વે ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે એવી માન્યતા વ્યક્ત કરી છે કે શ્રેણીમાં પહેલી ટેસ્ટ મેચ બાદ રેગ્યૂલર કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમનું સુકાન જ્યારે વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણે સંભાળશે ત્યારે એની પર કોઈ પ્રકારનું દબાણ નહીં હોય. સ્ટાર સ્પોર્ટ્સ શો ‘ગેમ પ્લાન’માં ભાગ લેતાં ગાવસકરે વધુમાં કહ્યું કે, રહાણે એની કામગીરી પ્રામાણિકપણે બજાવશે, કારણ કે એ જમણા હાથના બેટ્સમેન તરીકે જ એનું ક્રિકેટ રમે છે. વળી, એણે ભૂતકાળમાં કેપ્ટન તરીકે બે વાર ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો. (એક વાર ધરમશાલામાં ઓસ્ટ્રેલિયા સામે અને બીજી વાર અફઘાનિસ્તાન સામે).
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 17 ડિસેમ્બરથી એડીલેડમાં શરૂ થશે. એ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે અને ભારતીય સમય મુજબ સવારે 9.30 વાગ્યે શરૂ થશે. તે ટેસ્ટ મેચ બાદ કોહલી પેટરનિટી લીવ (પિતૃત્વ માટેની રજા) પર ઉતરશે અને ભારત પાછો આવશે, કારણ કે એની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માનો પ્રથમ સંતાનને ડિલીવરી માટેનો સમય નિકટ છે અને કોહલી એ સમયમાં તેની પત્ની પાસે રહેવા માગે છે. બીજી ટેસ્ટ મેચ 25 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. અને ત્યારબાદ ત્રીજી અને ચોથી મેચ અનુક્રમે સિડની અને બ્રિસ્બેનમાં 6 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીથી રમાશે.