દુબઈઃ કેપ્ટન વિરાટ કોહલી અને તેના સાથીઓ મહિના લાંબા પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા પહોંચે તે પછી એમને થોડાક દિવસો સુધી પ્રેક્ટિસ કરવા મળશે કે કેમ એ અટકળનો ઉકેલ આવી ગયો છે. સૂત્રોનો દાવો છે કે ઓસ્ટ્રેલિયામાં કોરોના વાઈરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમનો ક્વોરન્ટાઈન સમયગાળો ઘટાડી શકાશે નહીં, પણ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ એમનો કોવિડ-19 ટેસ્ટનો પહેલો રાઉન્ડ પૂરો થયા બાદ તેઓ મેદાનમાં પ્રેક્ટિસ શરૂ કરી શકશે. આમ, કોહલી અને તેના સાથીઓ માટે આ સારા સમાચાર છે.
ભારતીય ટીમ 12 નવેમ્બરે સવારે સિડની પહોંચશે. તરત જ એમનો કોરોના ટેસ્ટ લેવામાં આવશે અને જેવો એમનો રિપોર્ટ નેગેટિવ આવશે કે તરત જ તેઓ ટ્રેનિંગ-પ્રેક્ટિસ શરૂ કરી શકશે. મતલબ કે 13 નવેમ્બરથી તેઓ ટ્રેનિંગ શરૂ કરી શકશે.
કોરોનાવાઈરસ બાદના સમયગાળામાં બાયો-બબલ પગલાં લેવામાં આવ્યા છે. ભારતીય ખેલાડીઓ હાલ યુએઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-13) સ્પર્ધામાં રમી રહ્યા છે. ત્યાંના ગરમ વાતાવરણમાંથી તેઓ ઓસ્ટ્રેલિયામાં એકદમ વિપરીત, ઠંડા વાતાવરણમાં આવશે. આંતરરાષ્ટ્રીય શ્રેણીનો આરંભ થાય એ પૂર્વે ત્યાંની પિચ અને આબોહવાથી અનુકૂળ થવા માટે એમને અમુક મેચો પ્રેક્ટિસ માટે રમવાની જરૂર પડશે.
અબુ ધાબીમાં આઈપીએલની એલિમિનેટર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનો કેપ્ટન અને તેની સાથેના ભારતીય ખેલાડીઓ ગયા શુક્રવારે રાતે જ દુબઈમાં બાયો-બબલમાં શિફ્ટ થઈ ગયા હતા.
ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના એડીલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાના છે. એ માટે તેમણે ગયા શુક્રવારે સાંજથી જ ગુલાબી બોલથી રમવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો, ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો અને ચાર ટેસ્ટ મેચો રમશે. ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો હશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગ્સમાં અનુક્રમે પહેલા અને બીજા નંબર પર છે.
કોહલીના જ નેતૃત્ત્વ હેઠળ ભારતીય ટીમ છેલ્લે જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવી હતી ત્યારે આ ધરતી પર પહેલી જ વાર શ્રેણી જીતવામાં સફળ થઈ હતી.